________________
એમ સંયુક્ત રૂપે હતું એને સંગતિ માટે બે પ્રકરણો રૂપે અલગ કરી લેવામાં આવ્યું છે. (ભાલણના સાહિત્યકાર્યને એક સ્વતંત્ર પ્રકરણનો મોભો મળે એ જરૂરી લાગ્યું છે.) વળી, આદિભક્તિયુગના કવિઓની આનુપૂર્વી, એમના સમયના સંદર્ભમાં બદલી છે. આમ કરવામાં દેખીતી રીતે જ, સંદર્ભનિર્દેશો આદિની પુનર્વ્યવસ્થા પણ કરવાની થઈ છે.
૫.૫ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતામાં એક અગત્યના કવિ વસ્તી વિશ્વભર વિશે લખાણ ઉમેરી લીધું છે.
સાહિત્યના ઇતિહાસની આ ગ્રંથશ્રેણીની પહેલી આવૃત્તિઓના પ્રકાશન પછી લગભગ એક દાયકે, ગુજરાતી સાહિત્ય પરિષદે જ, ગુજરાતી સાહિત્યકોશ ખંડઃ૧ મધ્યકાલીન (૧૯૮૯)નું પ્રકાશન કરેલું, જેમાં તે સમય સુધીના ગુજરાતી સાહિત્ય અંગેના લગભગ બધા જ ઈતિહાસ-વિષયક ગ્રંથો-સંદર્ભોનો ઉપયોગ ને એની સંશુદ્ધિ થયેલાં હોવાથી વિગતોની દૃષ્ટિએ એ અધિકૃત પ્રકાશન હતું. આ બીજી આવૃત્તિ વખતે એ કોશગ્રંથનો વિગત ચકાસણી આદિ માટે વારંવાર ઉપયોગ કરવાનો થયો છે. એ માટે એના સંપાદકોનું ઋણ સ્વીકારું છું.
૬. ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે.
સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડ્યો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં.
આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ આપી છે.
આ આવૃત્તિમાં, કેટલીક વિગત-ચકાસણી માટે, જૈન સાહિત્ય-૧માં કૃતિઓ વિશે લખાણો તૈયાર કરી આપવા માટે તેમજ શબ્દસૂચિ માટે ડૉ. રાજેશ પંડ્યાનો પ્રસન્નતાપૂર્વક આભાર માનું છું.
પરિષદે આ સંપાદન સોંપ્યું એથી સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નિકટથી જોવાથી તક મળી. પરિષદનો એ માટે આભારી છું.
વડોદરા, ૧૫, જૂન ૨૦૦૩
– રમણ સોની