________________
અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૬૭
છે. સાધકજીવનમાં આ પ્રેયાભિમુખ પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે. એથી સાધકે આત્મનિરીક્ષણથી આ સંદર્ભોને ઓળખી એનો પરિત્યાગ કરવા પુરુષાર્થ કરવાનો હોય છે. આમ આત્મનિરીક્ષણની કૃતાર્થતા પરિત્યાગની સક્રિયતામાં રહેલી છે. અભિગ્રહો-પૂર્વગ્રહોનો ત્યાગ કરી નિર્મમ ભૂમિકાએ સાધકને પહોંચવાનું હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ ષરિપુના બંધનમાંથી મુક્તિ મેળવી આંતરચેતનાનો શુદ્ધ આધાર રચવાનો છે; સ્થૂલ બુદ્ધિજન્ય શંકા, અશ્રદ્ધા, પ્રમાદ, આદિ દોષોનો પણ ત્યાગ કરવો પડે છે. આમ મન, હૃદય અને બુદ્ધિ ૫૨ નૂતન સંસ્કારનો જાણે ઢોળ ચઢાવવાનો આ પુરુષાર્થ બને છે. માત્ર ઢોળ નહિ, આમૂલાગ્ર રૂપાન્તરનો જ પુરુષાર્થ બને છે. પ્રેમ-પ્રેયનો સંઘર્ષ મન-હૃદય-બુદ્ધિની ભૂમિ પર જામે છે. એની ચરમ સ્થિતિમાં સાધકને સમર્પણનું સત્ય લાધે છે અને એની નિસ્સહાયતા સમજાય છે. એ તરણોપાય બની રહે છે ત્યારે પોતાનું અસ્તિત્વ સ્વેષ્ટને સમર્પિત કરે છે.
એવું સમર્પિત સાધકજીવન સ્વેષ્ટના નિવાસનો આધાર બને છે. એવું સાધકજીવન સ્વયં ઇષ્ટત્વને પ્રાપ્ત કરે છે. આ છે અપરોક્ષાનુભૂતિની અવસ્થા; જીવનમુક્તિની સ્થિતિ. આ સ્થિતિએ પહોંચેલા કેટલાક કવિસાધકોએ અપરોક્ષાનુભૂતિના આનંદોદ્ગાર પણ સંભળાવ્યા છે.
આત્મજ્ઞાનની આ સાધનાનાં ઉપર નિર્દિષ્ટ વિભિન્ન સ્થિત્યંતરોને નિરૂપતી કવિસાધકોની વાણીએ સાહિત્યનાં વિભિન્ન કાવ્યરૂપો પણ સિદ્ધ કર્યાં છે. નરસિંહ જેવા કવિએ ઝૂલણા છંદમાં સુપ્રસિદ્ધ પ્રભાતિયાં રચ્યાં છે. તો નરહિર, અખો આદિ આ પરંપરાના કવિઓએ ગીતા, કક્કો, બારાખડી, બાવની, વાર, તિથિ, બારમાસી, વાણી, સાખી, અવળવાણી જેવાં વિવિધ કાવ્યરૂપો અજમાવ્યાં છે.
અખો આ ધારાનો પ્રમુખ કવિ મનાયો છે. પરંતુ નરસિંહ અનુભવસંમત સાધનાનો, ગુર્જરવાણીમાં પહેલો પ્રવક્તા છે. તત્ત્વના ટૂંપણાને તુચ્છ ગણનાર નરસિંહે જ્ઞાનભક્તિનાં બોધક પદો રચ્યાં છે. આ પદોમાં અપરોક્ષાનુભૂતિની સાધનાપ્રક્રિયારૂપે ઈશ્વરામભિમુખતા કેળવવા માટેના ઉદ્ગારો મન-હૃદય-બુદ્ધિ અને સ્થૂલ દેહાધ્યાસોને ઓળખવાનો પ્રયત્ન, સ્વભાગવગત દોષોનાં બંધનમાંથી મુક્ત થવાની મથામણ અને સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના નરસિંહે નિરૂપ્યાં છે. નરસિંહની સમગ્ર અક્ષરસૃષ્ટિમાં આ પદો અલ્પસંખ્ય છે, પરંતુ કાવ્યત્વની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની એ મહામૂલી કાવ્યસંપત્તિ છે.