________________
૩૬ ૫
૧૦ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ
સુભાષ દવે
મધ્યકાલીન પદ્યસાહિત્યનું વસ્તુવિષય દૃષ્ટિએ વર્ગીકરણ કરીએ તો એમાં અધ્યાત્મવિદ્યાનું અનુભવજ્ઞાન નિરૂપતી પદ્યધારાનો એક અવિચ્છિન્ન સ્ત્રોત પ્રાપ્ત થાય છે. એમાં તત્ત્વજ્ઞાનનું બૌદ્ધિક નિરૂપણ થયેલું પણ હોય છે. આ પદ્યધારાને સાહિત્યના ઇતિહાસકારોએ જ્ઞાનમાર્ગી કે જ્ઞાનાશ્રયી કાવ્યધારા તરીકે બહુધા ઓળખાવી છે. આ પરંપરામાં સંનિહિત કવિઓનું પ્રેરણાબળ પ્રાયઃ સંતસાહિત્ય અને વેદાન્ત છે, એમ એમની કૃતિઓના અભ્યાસ પરથી પ્રતીત થાય છે. પંદરમાં શતકનાં નરસિંહનાં કેટલાંક પદોમાં ઉપનિષદ વાણીનું, સત્તરમા શતકના નરહરિ, ગોપાલ, અખો આદિની કૃતિઓમાં કેવલાદ્વૈત વેદાન્તનું અને ૧૯મા શતકના દયારામની કેટલીક કૃતિઓમાં શુદ્ધાદ્વૈત વેદાન્તનું નિરૂપણ સ્પષ્ટ દેખાય છે તો એ સાથે નરસિંહ, મીરાં, કૃષ્ણજી, નરહરિ અખો આદિની પદરચનાઓમાં સંતવાણીનું અનુસંધાન પામી શકાય છે. સુરેશ જોષીએ, આથી જ કદાચ, આ જ્ઞાનમાર્ગી સંજ્ઞાને ઔપચારિક કહી છે. અને તે યથાર્થ લાગે છે. કારણ કે આ કવિઓની કૃતિઓમાં જ્ઞાન સંજ્ઞા જે સંકેત પ્રગટ કરે છે, તે શુષ્કવેદાન્તજ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાનનો છે.
આત્મજ્ઞાન એટલે અપરોક્ષાનુભૂતિ. અપરોક્ષાનુભૂતિ કરવા માટે શાસ્ત્રજ્ઞાન અનિવાર્ય નથી. શાસ્ત્રજ્ઞાનથી તો કદાચ અનેક વિઘ્નો ઊભાં થવાનો સંભવ રહે. શાસ્ત્રજ્ઞાન સાથે, એથી જ કદાચ, પ્રેમ અને સમર્પણનાં સંવેદનો પ્રગટાવતી ભક્તિભાવનાની આવશ્યકતા આ કવિઓએ સ્વીકારી છે. જ્ઞાન અને ભક્તિ અન્યોન્યપૂરક બની સાધકને સાધ્ય સુલભ કરી આપે છે, એવી સંતસૂઝને આ ધારાના કવિઓએ વધાવી લીધી છે. જ્ઞાનભક્તિનાં સંવેદનોની બહુધા સંપૂક્ત સ્થિતિ નિરૂપતી આ કવિઓની રચનાઓમાં આથી નિર્ગુણસગુણ સાધનાધારાનો નવો જ તાજપભર્યો અર્થસંદર્ભ રચાય છે અને એક રીતે અપરોક્ષાનુભુતિમાં રહેલું વૈયક્તિકતાનું મહત્ત્વ