________________
૨૮૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
કેટલીયે ઉત્તરકાલીન કાવ્યરચનાઓથી આ કવિની સ્મૃતિ મંડિત થઈ છે!
જીવનના ઉલ્લાસ અને વસંતવિલાસની સામગ્રીથી ઊભરાતા આ કાવ્યની એક એક પંક્તિ રસઘન અને ઘૂંટાયેલી છે. એક એક શ્લોક મુક્તક જેવો સ્વયંપૂર્ણ છે. બહુ જ ઓછી પંક્તિઓ વડે કવિએ એક સ્થાપત્યસુંદર નિતાન્તરમણીય કાવ્યસૃષ્ટિ નિર્માણ કરી છે. ‘વસન્તવિલાસ'ની મોહિનીથી મુગ્ધ બનેલા અનેક ઉત્તરકાલીન ફાગુકવિઓની રચનાઓમાં “વસંતવિલાસ'ની કમનીય પદાવલીના, એની ચારુ કલ્પનાસમૃદ્ધિના અને મનોહર અલંકારોના પુનઃ પુનઃ પડઘા સંભળાયા કરે છે એમાં કશું આશ્ચર્ય નથી.
વસન્તવિલાસનો પ્રધાન રસ છે શૃંગાર. આરંભમાં વસન્તના ઉદ્દીપક ઉપસ્કરનું વર્ણન કરતાં સંભોગશૃંગારનું અછડતું આલેખન કરી પછી કવિ વિરહિણીની મનોવ્યથાનું વર્ણન કરતાં વિપ્રલંભનું હૃદયભેદક નિરૂપણ કરે છે. કાવ્યના અંતે વિયોગિની નારીને પ્રિયતમનું મિલન થતાં, કાવ્ય પાછું સંભોગશૃંગારની છોળોથી છલકાઈ રહે છે. કાવ્યમાં રસની નિષ્પત્તિમાં ઉદ્દીપનવિભાવના નિરૂપણ ઉપર સવિશેષ ભાર આવ્યો છે. એથી કાવ્યરસમાં એક વિશિષ્ટ આસ્વાદનો અનુભવ થાય છે. એમાં શૃંગારની મધુરતા છે, ગૌરવ છે, લાલિત્ય છે, છતાં ‘અમરુશતક'ના જેવી ઉત્કટ માદકતા નથી. વસન્તવર્ણનની શોભા કવિએ પ્રધાનપણે ગાઈ છે એ ખરું, પણ એમાં કવિનો ઉદ્દેશ વસન્તવર્ણનને રસરાજ શૃંગારની પશ્ચાદ્ભૂમિ બનાવવાનો સવિશેષ છે.”
વસન્તની વનશ્રીનું કવિનું વર્ણન ક્યારેક વાસ્તવિક હોય છે : . ... ... ... વસંતિ લાઉ અવતાર, અલિ મકરંદિહિ મુહરિયા કુહરિયા સવિ સહકાર. વસંત તણા ગુણ ગહગહ્યા મહમહ્યા સવિ સહકાર, ત્રિભુવનિ જયજયકાર પિકારવ કરઈ અપાર.
પદમિની પરિમલ બહકઈ લહકઈ મલયસમીર'. કડી ૩–૫. તો ક્યારેક એ કવિપરંપરા અનુસારનું હોય છે. ઉ. ત.
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ, ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઇ સુભટ કિ શંખ. ચાંપુલા તરૂઅરની કલી નીકલી સોવન વાનિ, મારમારગઊદીપક દીપક કલીય સમાન. બાંધઈ કામ કિ કરકસુ તરકસુ પાડલફૂલ, માંહિ રચ્યાં કિરિ કેસર તે સરનિકર અમૂલ.” કડી ૨૯, ૩૧, ૩૨.