________________
૨૬૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧
એમની જીવનચર્યાનો, એમની રીતભાતનો, એમની ભાષાનો પણ કવિને જીવન્ત, પ્રત્યક્ષ પરિચય છે. એથી જ એ મુસલમાન યોદ્ધાઓનાં, એમની છાવણીઓનાં, એમની કૂચનાં ખૂબ પ્રતીતિકર, આબેહૂબ વર્ણનો કરી શક્યો છે.
પ્રસ્તુત ન્હડદે પ્રવશ્વ પદ્મનાભની પરિપકવ પ્રતિભાનું ફળ છે, અને તેથી જ એમ તર્ક કરવાનું મન થાય છે કે કવિએ અન્ય રચનાઓ પણ કરી હશે, જો કે હજી સુધી એની અન્ય કોઈ કૃતિ પ્રાપ્ત થઈ શકી નથી.
કાન્હડદે પ્રબંધની ઐતિહાસિક સામગ્રી – ‘કાન્હડદે પ્રબંધ' એક ઐતિહાસિક પ્રબંધ છે. એમાં ઉલ્લેખ પામેલી અગત્યની સર્વ બાબતોને ઈતિહાસના અન્ય આધારોનું સંપૂર્ણ સમર્થન મળે છે.
આ પ્રબંધની મહત્ત્વની ઐતિહાસિક હકીકતો નીચે મુજબની છે :
(૧) કર્ણદેવ વાઘેલાનો અમાત્ય માધવ રાજા ઉપર રોષે ભરાઈને દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને સમજાવીને ઉલુઘખાનની સરદારી નીચે વિશાળ મુસલમાન લશ્કર લઈ આવ્યો. એ લશ્કરે પાટણ કબજે કર્યું. ગુજરાતને હચમચાવી નાખ્યું. અને સોમનાથ પાટણને ભાંગીને એનું પ્રસિદ્ધ મંદિર તોડી નાખ્યું.
(૨) પાછાં વળતાં મુસલમાન લશ્કર જાલોરના રાજા કાન્હડદેના રાજ્યમાં થઈને પસાર થતું હતું ત્યારે કાન્હડદેએ એને હરાવીને સોમનાથની મૂર્તિ છોડાવી, અને બાન છોડાવ્યાં.
(૩) આ હારના સમાચાર સાંભળીને રોષે ભરાઈને પાદશાહે નાહર મલિકને મોટું લશ્કર આપીને જાલોર ગઢ કબજે કરવાને મોકલાવ્યો. મુસલમાન લશ્કરે મારવાડમાં પ્રવેશ કર્યો ત્યારે માર્ગમાં સમિયાણાનો ગઢ આવ્યો. ત્યાં કાન્હડદેનો ભત્રીજો સાંતલદે રાજ્ય કરતો હતો. એણે નાહર મલિકને સજ્જડ હાર ખવરાવી. આ યુદ્ધમાં નાહર મલિક મરાયો.
() આ હકીકત સાંભળીને સુલતાન ખૂબ નારાજ થયો. એણે પાટણથી સૂબાને બોલાવ્યો અને બીજા ખંડિયા રાયરાણા અને સરદારોને એમના લશ્કર સાથે બોલાવ્યા, અને આમ એક ખૂબ વિશાળ સેના તૈયાર કરીને એ સમિયાણા ઉપર ચડી આવ્યો. સાત વરસ સુધી કિલ્લો પડ્યો નહીં, એટલે હીન યુક્તિ અજમાવીને ગઢ ઉપરનું પાણી ભ્રષ્ટ કર્યું. રાજપૂતોએ કેસરિયાં કર્યા, અને કિલ્લો અંતે પાદશાહના હાથમાં આવ્યો.
(૫) સમિયાણા જીતીને પાદશાહ જાલોર ગયો. રસ્તામાં એણે ભિન્નમાલ ભાંગ્યું, અને જાલોરને ઘેરો ઘાલ્યો. કાન્હડદેએ પ્રચંડ સામો હલ્લો કર્યો. એથી પાદશાહને