________________
૪
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
આપ્યો અને સંત-પ્રણાલીના ઉદ્દભવ અને વિકાસની ભૂમિકા તૈયાર થઈ. મધ્યકાલીન રહસ્યવાદનું એમાં મિશ્રણ અને રસાયણ થયું. ગુજરાતમાં પણ એની અસર સ્વાભાવિક રીતે થઈ. નાથ યોગીઓની મરમી વાણી, સૂફીઓની મસ્તી અને વૈષ્ણવોની પ્રેમલક્ષણા ભકિત અને અનુભવનો આત્મવિશ્વાસ એ બધું એ સંતવાણીમાં સંભળાય છે; (એમાંની કેટલીક ગ્રંથસ્થ થઈ છે અને ઘણી નથી થઈ.) માર્ગી બાવાઓનાં, તુરી જોગી ફકીરનાં ભજનોમાં પણ સંભળાય છે. જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો વિચાર પણ આ સાથે જાય, જેમાં એક બાજુ વેદાન્તનો ઉપદેશ આપતી સ્વતંત્ર કે અનૂદિત કૃતિઓ છે, તો બીજી બાજુ વસ્તો, બુટિયો, ગોપાળ, ધનરાજ, અખો આદિની આધ્યાત્મિક અનુભવના પરિપાક સમી કૃતિઓ છે. યોગી આનંદઘનજી અને મહાપંડિત યશોવિજયજી જેવા જૈન કવિઓની કૃતિઓ પણ આ બીજી કોટિમાં આવે.
આ સંતવાણીને તથા ભકિતસંપ્રદાયને ઊર્મિપ્રાણિત પદપ્રકાર અનુકૂળ આવ્યો. અંદાજે હજારો પદો રચાયાં હશે. એમાં જ્ઞાન અને ઉપદેશનાં પદો પણ છે. આખ્યાનો કે પદ્યવારતાઓમાં ઘનીભૂત બનતી ઊર્મિની અભિવ્યક્તિ માટે અથવા વૃત્તાંતકથનમાં વચ્ચે વચ્ચે વિરામ માટે પણ પદો મુકાય છે. આખ્યાન રૂપમાં રચાયેલી ‘અખેગીતા જેવી તત્ત્વજ્ઞાનવિષયક કૃતિઓમાં પણ વચ્ચે વચ્ચે પદો આવે છે. પદપ્રકારનાં શિખરો મુખ્યત્વે નરસિંહ, મીરાં, રાજે, દયારામ, પ્રેમાનંદસખી આદિમાં સર થયાં છે.
આખ્યાન એ કથાત્મક કવિતા રજૂ કરે છે. એ દૃષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતા જૂના સાહિત્યપ્રકાર “રાસ” અથવા “રાસો' સાથે એને ગાઢ સંબંધ છે. અથવા એમ કહી શકાય કે આખ્યાન' અને “રાસ' એ વાસ્તવિક રીતે જોતાં એક જ પ્રકાર છે, અને તે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે ‘આખ્યાનતરીકે, અને જૈન પરંપરામાં રાસ' તરીકે ઓળખાયો. નાકર અને વિષ્ણુદાસ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં “નળાખ્યાન' અને “રકમાંગદપુરી” એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજયો છે અને ભાલણે પણ “દશમસ્કન્ડમાં એ અર્થમાં રાસ'નો પ્રયોગ કર્યો છે. જૂની ગુજરાતીમાં રાસ' અને “આખ્યાન' એ બંનેય સામાન્ય રીતે ધર્મકથાને અને કેટલીકવાર ઐતિહાસિક વસ્તુને (અલબત્ત, ઘણું ખરું તો એના કલ્પનામિશ્રિત સ્વરૂપમાં) કાવ્યવિષય બનાવે છે. જૈન રાસાઓ ઉપાશ્રયોમાં અથવા શ્રાવકોના ઘરમાં નાના શ્રોતાવર્ગ આગળ ગવાતા હતા, જ્યારે આખ્યાનોનું કથકો અથવા માણભટ્રો દ્વારા જાહેર સ્થળોમાં મોટી મેદની સમક્ષ ગાન થતું હતું. બંને પ્રકારમાં વસ્તુ અને સાહિત્યિક પ્રયોજન' (“મોટિફ') ધાર્મિક હતાં, તોપણ રાસ હંમેશાં ઉપાશ્રયના વાતાવરણમાં રહ્યો અને ઉપદેશાત્મક તત્ત્વમાંથી મુક્ત થઈ શક્યો નહિ, જ્યારે આખ્યાન વિભિન્ન રુચિ અને રસવૃત્તિવાળી મેદની સમક્ષ ગવાતું હોઈ તેના