________________
નરસિંહ મહેતા ૧૪૫ .
વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા “દુરિજનો' એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ “મિત્ર' શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. પીતાંબરી પણ લીધી ઉતારીમાં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો “શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો’ એમાં શ્રીપતિ’ અને ‘રંકનો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે “નરસિંઘ સરખો' છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, “નરસિયો ભક્ત મુજ તોલ જાણો’, અને તું વિશે ભેદ નહિ, નાગરા. નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો કીડી હુતો તે કુંજર જૈને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવશ્રુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ મિત્ર' શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવશાત્ યોજે છે.
નરસિંહનું ‘સુદામાચરિત્ર' એ પદોની માળા નથી, સુરખ પ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ-આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના “સુદામાચરિત્રમાં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે. - નરસિંહના ‘સુદામાચરિત્ર'ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્યતા છે, શિલ્પીની જે સપ્રમાણતા છે, કાવ્યનિર્મિતિમાં “મિત્ર' શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતતા છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહી, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.