________________
નરસિંહ મહેતા ૧૩૫
ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુકમિણીએ “પ્રતલોકમાં આવવાની ઈચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમ:કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્રનરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખાફ્રેમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. પુત્રનો વિવાહ'નું છેલ્લું પદ કવિનાં પ્રભાતિયાના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્દગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવ વાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે બે નથી “એકલો છે, “વિશ્વથી વેગળો' છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, સખીરૂપે નરસિંહે તે પીધો.' આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ઝારીનાં પદ તરીકે તે જાણીતાં છે.
આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે. બાંહે બાજૂબંધ બેરખા પહોંચી, મનડું મોહ્યું છે એને મોઢે. ઝાંઝર ઝમકે ને વીંછુઆ ઠમકે, હીંડે છે વાંકે અંબોડે. સોવણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે. નરસૈયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.