________________
નરસિંહ મહેતા ૧૨૭
નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં “ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.” ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે મૂર્ખને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.
ચેતનાપરિવર્તન-“અચેત ચેતન થયો’ તે-નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. “મરમવચન.. પ્રાણમાં રહ્યાં વળંધી', “કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો', વિક્મના થાંભલા', “રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. મધુરી વાણીમાં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટ મળ્યું છે. “લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. હરિરસ ગાવા ને જે મળે ખાવા” તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે દારા ઘણું સુંદરી સાધવી છે. એક છે પુત્ર ને એક પુત્રી થઈ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી', એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. “મામેરું' (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્યાનું વર્ણન છે : .
નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી, ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી. ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ. મહેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.
હૂંડી' (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં “નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાંમાં પોતે રહે છે અને એક ઉદ્યમ કરે સંતસેવા”. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન અને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો “પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા'.