________________
ગુજરાતી ભાષાનો કુળકમ ૩૯
આસપાસ) છે. આ કૃતિઓની ભાષા ઉપરની કસોટીએ અર્વાચીન ભૂમિકાની જણાય છે. ક્વચિત્ નવમી-દસમી સદીની અપભ્રંશમાં પણ કોઈકોઈ શબ્દમાં બેવડા વ્યંજનને એકવડો કરવાનું ને તેની પૂર્વેના હસ્વ સ્વરને દીર્ઘ કરવાનું વલણ છે, પણ ત્યાં આ વલણ ફુટકળ શબ્દોમાં જોવા મળે છે, જ્યારે ઉપર્યુક્ત કૃતિઓમાં એ વ્યાપકપણે અને દઢમૂળ થયેલું જોઈ શકાય છે. તેવી જ રીતે વિશિષ્ટ અનુગોનો વપરાશ અપભ્રંશ ભૂમિકાથી શરૂ થઈ ગયો છે, પણ પ્રાચીન ગુજરાતીની ઉપર ગણાવેલી કૃતિઓમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં અને લાક્ષણિક રૂપે થયો છે. આમ પ્રાચીન ગુજરાતી બારમી સદીના ઉત્તરાર્ધમાં તો સાહિત્યભાષા તરીકે વપરાતી થઈ ગઈ હતી. ઉપરાંત હેમચંદ્રીય અપભ્રંશને પણ અર્વાચીનતાનો પાસ લાગેલો છે એ લક્ષમાં લેતાં બોલચાલના વ્યવહારમાં બારમી સદીના આરંભથી કે એ પહેલાં પચીસપચાસ વરસથી અર્વાચીન ભૂમિકા અસ્તિત્વમાં આવી ગઈ ગણાય.
ગૂર્જરભાષાનું વિભાજન ચૌદમી શતાબ્દી પછીથી રાજસ્થાની-માળવી જૂથના બે ફાંટા પડે છે : એક તરફ જયપુરી ને બીજી તરફ ગુજરાતી-મારવાડી-માળવી. આ બીજો ફાંટો પંદરમી શતાબ્દી લગભગ જુદીજુદી ત્રણ શાખાઓમાં વિભક્ત થવા લાગે છે. એ શાખાઓ તે મારવાડી, માળવી ને ગુજરાતી. નપુંસકલિંગની જાળવણી અને બીજાં કેટલાંક લક્ષણો જતાં અર્વાચીન ગુજરાતી વધુ અંશે પૂર્વપરંપરાને વળગી રહી હોવાનું કહી શકાય. બીજું એ કે પશ્ચિમ રાજપૂતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો-ખરો પ્રદેશ સંયુક્ત રીતે આઠમીથી અગિયારમી શતાબ્દી વચ્ચે ‘ગુજ્જરત્તા' “ગુર્જરત્રા' નામે જાણીતો હતો, એટલે એ પ્રદેશમાં સમાનપણે પ્રચલિત ભાષાને જૂની પશ્ચિમ રાજસ્થાની કે “મારુગુર્જર એવે નવે નામે ઓળખવા કરતાં પ્રાચીન ગુર્જર' કહેવી વધુ યોગ્ય લાગે છે. પણ ખરા સ્વરૂપને લક્ષમાં રાખીએ તો નામનું એવું કોઈ મહત્ત્વ નથી.
આ ઈસવી બારમી સદીનો આરંભ એ ગુજરાતીના ઉદ્દગમ માટે આપેલી સમયમર્યાદા અભ્યાસદષ્ટિએ જ સાચી ગણાય. બાકી તો ભાષામાં અવિરતપણે પરિવર્તન થયા કરતું હોય છે. એની ગતિ પ્રમાણમાં ધીમી અને સ્વરૂપ સૂક્ષ્મ અને ક્રમિક હોવાથી એ પરિવર્તન તત્કાલીન નજરે ચડતું નથી. ભાષા બોલનાર લોકોને તો પોતાની ભાષા સદાને માટે એક જ રૂપે બોલાતી હોવાનો ભ્રમ રહે છે. ઉચ્ચારણમાં પડતો જતો સૂક્ષ્મ ફરક, શબ્દોની ધીમેધીમે બદલાતી જતી અર્થછાયા, પ્રચલિત શબ્દોનો વપરાશલોપ અને નવતર શબ્દોનો પ્રચાર, પ્રયોગોની ચડતી પડતી – આ પરિવર્તનોનો પેટાળમાં વહેતો પ્રવાહ ભાષા બોલનારના લક્ષની બહાર રહે છે, પણ પોણોસો કે સો વરસ જેટલા અંતરે રહેલા બે ભાષાનમૂના તપાસતાં થયેલું પરિવર્તન આપણે તરત