________________
ગુજરાતનું ઘડતર
૭
પરાકાષ્ઠાએ પહોંચ્યો. પિતાની હત્યાનું વેર વાળવા પરશુરામે ક્ષત્રિયોનું એકવીસ વાર નિકંદન કાઢ્યું ને છેવટે એ ભૃગુક્ષેત્ર તજી શૂપરક(સોપારા) ચાલ્યા ગયા.
આગળ જતાં સાત્વત કુળના યાદવો જરાસંધ વગેરેના ઉપદ્રવને લઈને કૃષ્ણ વાસુદેવની આગેવાની નીચે મથુરા તજી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. શાર્યાતોની જૂની રાજધાની કુશસ્થલીના જીર્ણ દુર્ગને સમારાવી એને દ્વારવતી કે દ્વારકા નામે નવી નગરીનું સ્વરૂપ આપ્યું. કકુધી રૈવતે પોતાની કન્યા રેવતી બલરામ વાસુદેવને પરણાવી. કૃષ્ણ વાસુદેવે વિદર્ભ, મદ્ર, શિબિ વગેરે પ્રદેશોની રાજકન્યાઓને પરણી અનેક રાજકુળો સાથે સંબંધ બાંધ્યો. પાંડવોના અભ્યદયમાં તથા ભારતયુદ્ધમાં થયેલા પાંડવોના વિજયમાં કૃષ્ણનો ફાળો ગણનાપાત્ર હતો. પરંતુ યાદવો મદ અને મદિરાને વશ થઈ પ્રભાસમાં આપસઆપસમાં લડી મર્યા ને અર્જુને દ્વારકામાં રહેલાં
સ્ત્રી બાળકોને લઈ જઈ કૃષ્ણના પ્રપૌત્ર વજનો અભિષેક ઇંદ્રપ્રસ્થમાં કરાવ્યો. સમય જતાં કૃષ્ણ વાસુદેવ વિષ્ણુના પૂર્ણાવતાર તરીકે તેમજ ભાગવત સંપ્રદાયના ઈષ્ટદેવ તરીકે સ્થાન પામ્યા. ગીતાના ગાનાર' તરીકે પણ તેઓ ખ્યાતિ ધરાવે છે.
કુશસ્થલી-દ્વારકા રેવતક ગિરિ પાસે વસેલી હતી ને એની આસપાસ સમુદ્ર હતો; કૃષ્ણનો દેહોત્સર્ગ થતાં સમુદ્ર એને ડુબાડી દીધી એવી અનુશ્રુતિ છે. યાદવકાલીન દ્વારકાનું સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે, કેમકે રેવતક ગિરિ અને સમુદ્રના સામીપ્સનો મેળ વર્તમાન ભૌગોલિક સ્થિતિમાં મળતો નથી.
યાદવાસ્થળી પછીના આદ્ય-ઇતિહાસને લગતી અનુશ્રુતિ ઉપલબ્ધ નથી.
આરંભિક ઐતિહાસિક કાળ ગુજરાતના પ્રમાણિત ઇતિહાસનો આરંભ મૌર્યકાળથી થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય(લગભગ ઈ.પૂ. ૩૨૨-૨૯૮)ના રાષ્ટ્રિય (રાજ્યપાલે) ગિરિનગર પાસે બંધ બાંધી સુદર્શન નામે જળાશય કરાવ્યું. અશોક મૌર્ય(લગભગ ઈ. પૂ. ૨૭૩-૨૩૭)ના રાષ્ટ્રિયે એમાંથી નહેરો કરાવી. દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકે ચૌદ ધર્મલેખોની એક પ્રત ગિરિનગર પાસેના શૈલ પર કોતરાવી. ઐતિહાસિક કાળનો ગુજરાતમાં એ સહુથી પ્રાચીન અભિલેખ છે. એ પ્રાકૃત ગદ્યમાં ને બ્રાહ્મી લિપિમાં છે. ગિરિનગર એ ગિરિ ઉર્જયગિરિનગર) પાસે વસેલું નગર હતું ને સુરાષ્ટ્રનું વડું મથક હતું. અશોકના કોતરેલા ધર્મલેખવાળો શૈલ જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલો છે. ગિરિનગર પાસેના ડુંગરોમાં બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે ગુફાઓ કંડારી આપવાની શરૂઆત આ સમયે થઈ લાગે છે. અશોક બૌદ્ધ ધર્મનો અને એનો પૌત્ર સંપ્રતિ જૈન ધર્મનો પરમ અનુયાયી અને પ્રભાવક હતો. આ બે ધર્મોનો પ્રભાવ ગુજરાતમાં મૌર્યકાળમાં શરૂ થયો જણાય છે. ગુજરાતમાં કેટલાંક પ્રાચીન જિનાલય સંપ્રતિએ