________________
૯૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
ગુજરાતમાં જાણવામાં આવી છે તેમાં મળે છે. ચાવડા વંશના સંસ્થાપક વનરાજ ચાવડાએ ઈં. ૮૪૮માં કે નજીકના સમયમાં અણહિલપુર પાટણમાં પંચાસરથી ઉપાડી રાજધાની સ્થાપી'' ત્યારે એ નગરની વિશિષ્ટ પ્રકારની માંડણી થઇ હોય એવું એના અત્યારે બચી રહેલા અવશેષોના દર્શનથી જાણી શકાય છે. પાટણનું વનરાજના સમયમાં જે કોઇ નાનું યા મોટું સ્વરૂપ હોય, પરંતુ સોલંકીકાળમાં તો એ એક સમૃદ્ધ નગ૨ એની નગર-સંસ્કૃતિને અનુરૂપ બની ચૂક્યું હતું. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ નગરને એની નજીકમાં સહસ્રલિંગ જેવું વિશાળ તળાવ બંધાતાં કેવો ઓપ મળ્યો હશે એ એ સ્થાનમાં આજની બચીસચી સ્થિતિ પણ ખ્યાલ આપી શકે એમ છે. સિદ્ધરાજ જયસિંહના પિતાએ ‘કર્ણસાગર’તળાવ બંધાવ્યું તે અમદાવાદના આજના કાંકરિયા તળાવનું અસલ સ્થાન, ૧૨ તો પ્રભાસ પાટણના વાયવ્ય ભાગે એવું જ એક વર્તુળાકાર તળાવ (તદ્દન નષ્ટ થઇ ચૂકેલ), ધોળકાનું મલાવ તળાવ, વિરમગામનું મુનસર તળાવ વગેરે તે તે નગરને સમૃદ્ધિ આપનારાં તળાવ હતાં. શિવ-વિષ્ણુ-સૂર્ય-અંબાનાં અનેકાનેક દેવાલયો અને વિપુલ પ્રમાણમાં જૈન દેરાસરો સોલંકીકાળની સ્થાપત્ય-સમૃદ્ધિના, નગરો અને તળાવોની કક્ષાના, ઉચ્ચ નમૂના છે. લોકોની વેશભૂષા પણ ચોક્કસ પ્રકારની હતી તે જેમ મંદિરો-દેરાસરોમાંની મૂર્તિઓ અને યજમાનોની પ્રતિમાઓમાં જોવા મળે છે તે પ્રમાણે ચિત્રોમાં પણ જોવા મળે છે. સોલંકીકાળમાં તાડપત્રો પર ગ્રંથો લખાતા હતા તેમાં કેટલાક સચિત્ર પણ મળે છે. આ ચિત્રોમાં રાજાઓ, અમાત્યો, રાજાના પરિચારકો, રાણીઓ, એમની દાસીઓ, સેનાનીઓ, વિવિધ પ્રકારનાં પ્રજાજનો, સ્ત્રીઓ, બાળકો, અને એ ઉપરાંત વિવિધ પ્રકારનાં વાહનો (હાથી ઘોડા અને ક્વચિત્ રથો)નાં પણ દશ્ય સુલભ છે. આ પ્રકારનાં ભિન્નભિન્ન સાધનો દ્વારા આપણને સૂત્રધારવર્ગ–કડિયા અને સુથારો, સોની અને કંસારા, કુંભારો અને ચિત્રકારોની વિુધ કળાઓનો ખ્યાલ આવે છે.
સોલંકીકાળમાં અનેક નાટ્યકૃતિઓની પણ રચના થઈ હતી અને તે તે કૃતિની પ્રસ્તાવના જોતાં અમુક ચોક્કસ સ્થળે એ ભજવવામાં આવી હતી આવતી હતી. નાટ્યકૃતિઓના રચનારા વિદ્વાનોનો એક ચોક્કસ વર્ગ આ કાળમાં ઊભો થયો હશે, એ ઉપરાંત, નામનિર્દેશો ન મળતા હોવા છતાં નાટકો ભજવનારાઓનો પણ એક વર્ગ આ કાળમાં ઊભો થયો હશે. જેની પરંપરા અણહિલપુર પાટણ અને આસપાસનાં અનેક ગામોમા પથરાયેલી નાયક' નામથી જાણીતી બ્રાહ્મણ કોમમાં, ગાયકો તરીકે ગાંધર્વોની કોમમાં, અને લોકનાટ્યમાં તેમજ નાટ્યમાં પ્રવીણ ગણાતી વ્યાસ બ્રાહ્મણોની કોમમાં, જોવા મળે છે. નૃત્તકલા અને નૃત્યકલાનાં એંધાણ પકડાતાં નથી, છતાં કર્ણના પિતા ભીમદેવની એક રાણી બકુલાદેવીના દૃષ્ટાંત ઉપરથી કહી શકાય કે સોલંકીકાળમાં આ કળામાં નિષ્ણાત ધંધાદારી સ્ત્રીવર્ગ પણ હશે. અને આ બધી લલિત કળાઓ અને