________________
મનઃસૃષ્ટિનો પાર પામવો એ જ જો દોહ્યલું કામ હોય તો જેઓ હયાત નથી એમને વિશે માહિતી તારવવી અને અનુમાનો સારવવાં એ તો ખરેખરું પરું કામ છે. પરિણામે, સર્જનને સામાજિક સંદર્ભમાં મૂકી આપીને સમગ્ર પ્રજાના જીવનમાં તેના, આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવકથિત, ‘વાડ્મય ચૈતન્ય’ના આવિર્ભાવનો આલેખ આપીને કૃતાર્થતા અનુભવવી રહે છે. સાહિત્યના ઇતિહાસે કર્તા અને કૃતિની મૂલવણીનું વિવેચનકાર્ય પણ કરવાનું રહે છે. અનેક લેખકોનો સહકાર મેળવીને સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો હોય ત્યારે એનો વિવેચનઅંશવિશેષપણે એકધારો કેટલો ઊપસી આવે એ જોવાનું રહે. બાકી ઝાઝા હાથે તૈયાર થયેલો ઇતિહાસ તત્ત્વતઃ વર્ણનાત્મક રહેવાનો.
આ કાર્યમાં પરિષદને પ્રે૨વા માટે સૌ પ્રથમ આભાર ગુજરાત રાજ્યના એ સમયના મુખ્ય મંત્રીશ્રી સ્વ૰ બળવંતરાય મહેતાનો માનવાનો રહે છે. પરિષદના કાર્યવાહકોનો સામેથી સંપર્ક સાધીને એમણે કરવા જેવાં કામોની અને કામ ઉપાડી શકે એવી સંસ્થાઓની ટીપ માગેલી અને ધરખમ આર્થિક સહાયનું વચન પણ આપેલું. એ પ્રમાણે અનેક સંસ્થાઓ પાસેથી એમણે સૂચનો પણ માગેલાં, ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું આ કાર્ય એમના પ્રોત્સાહનનું જ એક ફળ છે. સામાન્ય વહીવટ વિભાગના તા. ૭-૧૦-૧૯૬૭ના સરકારી ઠરાવ નં. ૫૨ચ ૧૦૬૬૬૭૯૭-આ૨-થી ગુજરાત સરકારે ચોથી પંચવર્ષીય યોજના હેઠળની યોજના નં. ૫૦૩ અનુસાર વિધિસર આ કાર્ય પરિષદને સોંપ્યું હતું. આ સ્થાને અમે સ્વ૰ બળવંતરાય મહેતાની સાહિત્યસંસ્કાર-પ્રીતિનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને ગુજરાત સરકારનો માતબાર આર્થિક અનુદાન માટે આભાર માનીએ છીએ.
સ૨કા૨શ્રીની આ અનુદાનયોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદની એ સમયની કાર્યવાહક સમિતિએ એની તા. ૧૪-૧૧-૬૭ની બેઠકમાં સાહિત્યના ઇતિહાસલેખન અંગે માર્ગદર્શન આપવા નીચેના વિદ્વાન સભ્યોની નિયુક્તિ કરી હતી :
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
શ્રી રસિકલાલ પરીખ
શ્રી જ્યોતીન્દ્ર દવે શ્રી ઉમાશંકર જોશી
શ્રી યશવંત શુક્લ
શ્રી રામપ્રસાદ બક્ષી
શ્રી ભોગીલાલ સાંડેસરા
શ્રી મનસુખલાલ ઝવેરી