________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૪
આ ચાર ઇચ્છાઓ મંત્રીની સાંભળી સામંતોએ કહ્યું કે, ચારમાંથી ત્રણ તો તમારો મોટો પુત્ર બાહડદેવ જરૂર પૂર્ણ કરશે. પણ અત્રે જંગલ જેવી જગ્યામાં ધર્મ સંભળાવવા મુનિરાજ હોય તો તપાસ કરી જલદીથી લાવવા પ્રબંધ કરીએ.
થોડેક દૂરના ગામમાં એક તરગાળો હતો તે બહુરૂપીના વેશ કાઢી ધન રળતો હતો, ત્યાં સૈનિકોએ જઈ તેની પાસે જૈન મુનિ મહારાજની જરૂર છે તે જણાવ્યું. તે તરગાળો બોલ્યો, “મને ચોવીસ કલાકનો ટાઈમ આપો. હું જૈન મુનિ વિષે બધું જાણી, જૈન મુનિનો વેશ જરૂર બરાબર ભજવીશ.”
ગમે તેમ તે રાત્રિ અર્ધભાનમાં અતિશય પીડાથી પીવતા મંત્રીએ પસાર કરી. સવારે તરગાળો બરાબર સાધુ મહારાજનો વેશ પહેરી, ઓઘો, મુહપત્તિી સાથે આવી પહોંચ્યો અને ધર્મલાભ કહેતો ઊભો રહ્યો. કંઈક ભાનમાં આવતાં મંત્રીશ્વર બેઠા થઈ ગૌતમ સ્વામીની જેમ નમી સમગ્ર પ્રાણીઓને મનથી ખમાવ્યાં. કરેલાં પાપને નિંદતા તથા પુણ્યકરણીનું અનુમોદન કરતા મુનિરાજ પાસે ધર્મ સાંભળવા લાગ્યા.
ત્રણ વાર નવકાર મંત્ર સંભળાવ્યો અને પહેલી તથા બીજી ગાથા ભક્તામર સ્તોત્રની મધુર સ્વરે ગાઈ. ભક્તામરની બીજી ગાથા પૂરી થતાં સ્તોયે કિલહમપિત પ્રથમ જિનેન્દ્રમ્ બોલ્યા. તે વખતે મંત્રી ગુરુને વાંદતા હોય તેમ નમ્યા અને તેમનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. સમાધિ મરણ થતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા.
* સામંતોએ સાધુના વેશવાળા તરગાળાને સુંદર રીતે સાધુનો વેશ ભજવવા બદલ સારો એવો પુરસ્કાર ધર્યો અને હવે સાધુવેશ તરત છોડી દેવા જણાવ્યું. પણ તે તરગાળો વિચારતો હતો કે, અહા ! સાધુવેશનો મહિમા કેવો છે. હું ભિક્ષુક છતાં આ સૈનિકો વગેરે જેને પૂજે છે, વાંદે છે એવા મંત્રીશ્વરે મને વંદના કરી, તેથી આ વેશ હવે ના છોડાય. ભાવથી તેણે સગુરુ પાસે જઈને વિધિપૂર્વક દીક્ષા લઈ, ખરેખર સાધુ બની સાધુ વેશ શોભાવવાની ભાવના થઈ. તેણે પુરસ્કાર ન સ્વીકારતાં કહ્યું, મંત્રીશ્વરની આંખ મીંચાઈ પણ મારી આંખ ઊઘડી ગઈ.
મારે તો સાચે જ દીક્ષા લઈ ભવ તરવાની એક માત્ર ઇચ્છા છે. એમ કહી એક આચાર્યશ્રી પાસે દીક્ષા લઈ ગિરનાર પર્વત પર જઈ બે માસનું અનસન કરી કાળ કરીને દેવલોકે ગયો.
મરણ વખતે મંત્રીશ્વરે બીજી જે ત્રણ ઇચ્છાઓ કહેલી તે પાટણ આવ્યા પછી બાહડમંત્રીએ પૂરી કરી.