________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૭૭
શ્રી જંબૂસ્વામી
પૂર્વે ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. મોટાભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. તેણે તેના નાનાભાઈ ભવદેવને સમજાવી તરતની પરણેલી નાગીલાને છોડીને દીક્ષા અપાવી હતી. ભવદત્તમુનિના સ્વર્ગે ગયા પછી ભવદેવ પાછો નાગીલા સાથે સંસાર ભોગવવાના વિચારથી પોતાના ગામે આવ્યો પણ નાગીલાના ઉપદેશથી ચારિત્રમાં સ્થિર રહ્યો. તે જ ભવદેવનો જીવ વિદ્યુમ્ભાલી નામે દેવ થયો હતો. તે જ જીવે અષભ નામના શ્રેષ્ઠિની ધારિણી નામની સ્ત્રીના પુત્ર તરીકે જન્મ લીધો અને તેનું નામ જંબૂ રાખવામાં આવ્યું.
અનુક્રમે તે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુધર્માસ્વામી સમવસર્યા, તેમને વાંદવા જંબૂકુમાર ગયા. તેમની દેશના સાંભળીને પાછા ફરતા હતા, તે વખતે ગામના દરવાજે પેસતાં તેમને, શત્રુને મારવા માટે નગરના દરવાજા ઉપર અડધા લટકતા ભારવટાના ભારે લાકડાને જોઈને તેઓ વિચારે છે કે આ ભારે લાકડું માથા ઉપર પડે તો ? માટે હું પાછો વળીને સુધર્મા સ્વામી ગણધર પાસે જઈ જીવન પર્યત બ્રહ્મચર્યનું પચ્ચકખાણ લઈ આવું. આવું વિચારતાં તેઓ ગણધર પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય પાલનનું વ્રત લઈ ઘરે આવ્યા.
માતાપિતાને તેમણે કહ્યું કે, હું આપની આજ્ઞાથી શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું." આવું વજ જેવું તેમનું વચન સાંભળી માતાપિતાએ પોતાના પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુક્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના સરસ ઉત્તરો આપીને જંબૂકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા. એટલે ફરીથી તે બોલ્યા કે, “હે વત્સ ! તારા માટે પ્રથમથી નક્કી કરી રાખેલ આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તેને ગમે તેમ કરજે." આ પ્રમાણે કહેવામાં તેનાં માતાપિતાએ વિચારેલ કે પરણ્યા પછી સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ સંસાર છોડી શકશે નહીં. જંબુમારે કમને માતાપિતાની આજ્ઞા માની, આઠે કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને પરણ્યા પહેલાં તે આઠે કન્યાઓને પોતાના મનોરથ જંબૂકુમારે કહેવરાવ્યા હતા. પણ આઠે કન્યાઓએ કહેલ કે, અમારે તો આ ભવમાં કે પરલોકમાં જંબૂકુમાર જ સ્વામી છે." એમ કહીને તેઓ જંબુકમારને પરણી.