________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૪૯
અને સોમચંદ્રમુનિ બન્ને ખાસ મિત્રો હતા. તેઓ સાથે જ્ઞાનચર્ચા કરતા અને એકબીજાના મનની વાતો પણ કરતા.
એક દિવસ બન્ને મુનિરાજ ઉપાશ્રયમાં જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં એક પુરુષે આવીને વંદના કરી ને ત્યાં બેઠો અને પોતાનો પરિચય આપતાં કહ્યું કે, હું પાટણનો જ રહેવાસી છું, પરંતુ ભારતના ઘણા પ્રદેશોમાં ફરેલ છું. મહાત્માઓ મેં તમારા ગુણોની અને જ્ઞાનની પ્રશંસા સાંભળી છે એટલે જ તમારા દર્શન કરવાં અને કંઈક કહેવાનું મન છે.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજીએ કહ્યું, શું કહેવું છે તમારે ? સંકોચ રાખ્યા વિના જે કંઈ કહેવું હોય તે કહો.
મહારાજ! તમે બન્ને ગૌડ દેશમાં જાઓ, ત્યાં ઘણા માંત્રિકો અને તાંત્રિકો છે, અનેક દિવ્ય શક્તિઓ ધરાવનાર મહાપુરુષો છે, ત્યાં આપ પધારો અને એ શક્તિઓ મેળવો.'
મુનિરાજોએ એ ઉપર વિચાર કરીને યોગ્ય કરવા કહ્યું
પેલો પુરૂષ ચાલ્યો ગયો. બને મુનિઓએ એકબીજા સામે જોયું અને આ માણસની વાત તો ગમી જો ગુરુદેવ રજા આપે તો બન્ને જણ ગૌડ દેશમાં જઈએ એમ નક્કી કર્યું.
બને જણે ગુરુદેવ પાસે જઈ ગૌડ દેશ જવાની આજ્ઞા માગી ગુરુદેવે આશીર્વાદ સાથે અનુમતિ આપી.
બન્નેએ વિહાર શરૂ કર્યો. એક સંધ્યાએ ખેરાળુ નામના ગામમાં બને આવી પહોંચ્યા. રાત્રિ પસાર કરવા ઉપાશ્રયમાં રોકાયા.
ત્યાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. પડછંદ કાયા, સુંદર રૂપ અને આંખોમાં અપૂર્વ તેજ. આવતાં જ તેમણે પૂછ્યું, મહાત્માઓ! હું અહીં રાત્રિવાસ રહી શકીશ?
બન્નેએ કહ્યું : પધારો મહાત્મા, ઘણી ખુશીથી આપ અમારી સાથે રાતવાસો કરો અમને આનંદ થશે.
આ સાધુપુરુષ તેમને કોઈ મહાન વિદ્યાસિદ્ધ પુરુષ લાગ્યો. બન્નેએ તેમને વંદના કરી કુશળતા પૂછી.
વૃદ્ધ મહાત્માએ તેમને ક્યાં જવા નીકળ્યા છે એમ પૂછ્યું. બન્ને જણાએ જણાવ્યું કે, વિદ્યાપ્રાપ્તિ માટે તેઓ ગૌડ દેશ જવા નીકળ્યા છે.
વૃદ્ધ પુરુષે કહ્યું, વિદ્યાપ્રાપ્તિ માટે એટલે દૂર જવાની જરૂર નથી. હું તમને તમારી મનોવાંછિત વિદ્યાઓ આપીશ. પણ હું ચાલી શક્તો નથી અને મારે ગિરનાર જવું છે, તમો મને ત્યાં પહોંચાડો, હું તમને વિદ્યાઓ આપીશ.