________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૩૭
વાક્યોથી (સૂત્રોથી) અમો આ બધું જાણીએ છીએ. ત્યારે ફરી તેણે પૂછ્યું કે, એ વિમાન પાછું કેમ મળે? ચારિત્રથી મળે એમ ગુરુએ કહ્યું તેથી તેણે દીક્ષા લીધી. પણ સદા તપ કરવાની શક્તિ નહોતી તથા નલિની ગુલ્મ વિમાનમાં જવાની તત્પરતાને લીધે, ગુરુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિ ઉપર જઈ તેણે અણસણ કર્યું. ત્યારે પૂર્વભવમાં અપમાનિત થએલી સ્ત્રી મરીને ત્યાં શિયાલણી થઈ હતી. તેણીએ તેમને દેખી વૈરભાવ ઉત્પન્ન થવાથી તેમનું શરીર રાત્રિના ત્રણ પહોર સુધી ભક્ષણ કર્યું. અતિ વેદના સહન કરતાં પણ શુભભાવમાં ચોથે પહોરે કાળ કરી તે નલિની ગુલ્મ વિમાને દેવતા થયા. તે વાત જાણતાં જ વૈરાગ્ય ભાવથી તેની માતાએ એક વહુ ગર્ભવતી હતી તેને ઘેર રાખી બીજી એકત્રીસ વરો સાથે દીક્ષા લીધી. ઘેર રહેલી વહુને દીકરો થયો.
તેણે પોતાના પિતાના નામની યાદગીરી માટે તે જ સ્થાન પર "અવંતિ પાર્શ્વનાથંની પ્રતિમા ભરાવી, મોટું જિન મંદિર કરાવી તેમાં સ્થાપના કરી. તે જ આ બિંબ છે. પણ અનુક્રમે વિપ્રોએ મળી તે પ્રતિમાના ઉપર જ શિવલિંગ સ્થાપન કરી દીધું હતું. તે શિવલિંગ મારી કરેલી સ્તુતિ કેમ સહન કરી શકે? આ બધું સાંભળીને વિક્રમ ઘણો જ રાજી થયો અને એ પ્રતિમાની પૂજા માટે એકસો ગામ આપ્યાં. પછી બોલ્યો કે, મહારાજ, દેડકાંના ભક્ષણ કરનારા ચતુર એવા સર્પ ઘણા છે. પણ ધરતીને ધારણ કરનાર શેષનાગ તો એક જ છે. તેમ નામના પંડિત ઘણા છે. પણ તમારા જેવું કોઈ નથી" આવી સ્તવના કરી રાજા પોતાને સ્થાનકે ગયો.
આ પ્રકારે સિદ્ધસેને ગયેલ તીર્થ પાછું મેળવી જૈન શાસનની મોટી ઉન્નતિ કરાવી તેથી બાર વર્ષની આલોયનામાંથી સાત વર્ષ વ્યતીત થયાં હતાં અને પાંચ બાકી રહેલાં હતાં. તો પણ તેમને શ્રીસંઘે મળી પાછા ગચ્છમાં લીધા, એટલે ફરી આચાર્યપદ પામ્યા. ત્યાંથી કુવાદરૂપ તિમિરને નાશ કરવામાં દિવાકર સમાન સિદ્ધસેન દિવાકર સૂરી" કહેવાયા.
તેઓ ત્યાંથી વિહાર કરતા ઓંકારપુરે આવ્યા. ત્યાં મિથ્યાત્વીઓનું જોર ઘણું હતું. તેઓ જૈન ચૈત્ય કરવા દેતા ન હતા. તેથી તેમણે વિક્રમ રાજાને સમજાવી ત્યાં જૈન ચૈત્ય કરાવ્યું. ત્યાંથી દક્ષિણ તરફ વિહાર કરતાં પ્રતિષ્ઠાનપુરે પહોંચ્યા. પછી પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે એમ જાણી અણસણ આદરી સ્વર્ગે સીધાવ્યા.