________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૧
એકદા શ્રી શાંતિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે, હાલમાં અનેક લોકોના મનને આનંદ આપનારી અને ઉદાર એવી ભગવાનની ધૂપાદિક સુગંધી દ્રવ્ય વડે પૂજા કેમ થતી નથી ? પછી અવધિજ્ઞાનના ઉપયોગથી ભોગસારનું દરિદ્રપણું અને તેનું કારણ જાણીને તેણે વિચાર્યું કે, “આ શ્રેષ્ઠી જિનેશ્વરનો પૂર્ણભક્ત છે. તેને આજ ચોળાનું ખેતર લણવાનો વખત આવ્યો છે; અને તેની સ્ત્રી કુલટા થઈ છે, અને તેથી શ્રેષ્ઠી ઉપર જરા પણ ભક્તિભાવ રાખતી નથી, માટે મારે આ શ્રેષ્ઠીનું સાંનિધ્ય કરવું જોઈએ.” એમ વિચારીને દેવતાએ શ્રેષ્ઠીના ભાણેજનું રૂપ લીધું અને મામાના ઘેર જઈને મામીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે, “મારા મામા ક્યાં છે ?” મામી બોલી કે, “તારા મામા ખેતર ગયા છે, ત્યાં ખેતર ખેડતા હશે.”તે સાંભળીને તે ખેતરે ગયો. ત્યાં મામાએ પૂછ્યું કે, "તું શા માટે આવ્યો છે ?” ભાણેજ રૂપે દેવતા બોલ્યા કે, “તમને સહાય કરવા માટે આવ્યો છું.” મામાએ કહ્યું કે, “ઘેર જઈને ખાઈ લે.” ભાણેજ બોલ્યો કે, આપણે સાથે જ જમશું.” મામાએ કહ્યું કે, "આજે ખેતરમાં લણવાનું કામ ચાલે છે. તેથી ઘણું મોડુ થશે, અને તું બાળક છે તે ભૂખ શી રીતે સહન કરી શકીશ ?" ભાણેજે કહ્યું, “કાંઈ હરકત નહીં, હું પણ તમારી સાથે લણવાનું કામ કરીશ.” એમ કહીને તેણે દૈવી શક્તિથી તેણે બધું ખેતર લણીને ટૂંકા વખતમાં એકત્ર કર્યું. પછી મામાએ કહ્યું કે, “આ બધા ચોળા શી રીતે ઘેર લઈ જઈશું ?" તે સાંભળીને તે દેવતા સર્વે ચોળા ઉપાડીને ઘર તરફ ચાલ્યો.
તેમને આવતા જોઈને પેલી સ્ત્રીએ પોતાના ઘરમાં આવેલા જારને ગમાણમાં સંતાડી દીધો, અને લાપસી વગેરે મિષ્ટાન્ન એક કોઠીમાં સંતાડી દીધાં. એટલામાં ભાણેજે આવીને મામીને જુહાર કરી કહ્યું કે, “મામા આવ્યા છે, તેની આગતાસ્વાગતા કરો.” એમ બોલતાં બોલતાં તેણે ચોળાનો ભારો જોરથી ગમાણમાં નાખ્યો અને દાણા કાઢવા માટે ચોળાને ફૂટવા લાગ્યો. તેના પ્રહારથી પેલો જાર પુરુષ જર્જરિત થઈ ગયો અને પોતે હમણાં જ મૃત્યુ પામશે એમ માનવા લાગ્યો. પછી ભોગવતીએ પોતાના જારને મૃતપાય થઈગયેલો જાણીને ભાણેજને કહ્યું કે, "તમે બંને થાકી ગયા હશો, માટે પ્રથમ ભોજન કરી લ્યો.” તે સાંભળી મામો ભાણેજ બંને જમવા બેઠા. એટલે મામી ચોળા વગેરે કુત્સિત અન્ન પીરસવા લાગી; ત્યારે ભાણેજ બોલ્યો કે, "આવું ખરાબ અન્ન હું નહીં ખાઉં." મામી બોલી કે, “સારું ખાવાનું ક્યાંથી આપું ?" ભાણેજ બોલ્યો કે, "હે મામી ! હું અહીં બેઠો બેઠો પેલી કોઠીમાં લાપસી પ્રત્યક્ષ જોઉં છું, તે તમે કેમ પીરસતાં નથી ? સ્વામીથી અધિક કોઈ નથી એમ નિશ્ચે જાણવું.” તે સાંભળીને મામી તો ચકિત જ થઈ ગઈ. પછી લાપસી પીરસીને તેણે વિચાર્યું કે, "અહો ! આ તો મોટું આશ્ચર્ય ! મારું ગુહ્ય આણે શી રીતે જાણ્યું ? ખરેખર આનામાં કોઈ ભૂત, પ્રેત, વ્યંતર કે ડાકીનીપણું હોવું જોઈએ; નહીં તો એ ગુપ્ત રાખેલું શી રીતે જાણી શકે ?" પછી તે બન્ને