________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૯૭
શિયલવતી
જંબુદ્રીપને વિષે નંદન નામના નગરમાં રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને પુત્ર ન હતો, તેથી તેણે અજિતનાથ ભગવંતની શાસનદેવી અજિતબાલાની આરાધના કરી, એથી અજિતસેન નામે પુત્ર થયો તે મોટો થઈ શિયલવતી નામે સ્ત્રીને પરણ્યો, શિયલવતી શકુન શાસ્ત્રાદિ ભણેલી હતી. તે શકુન શાસ્ત્ર અનુસાર વેપાર કરવાથી અનેક વખત દ્રવ્ય વધતું જતું હતું અને આથી તે ઘરની માનીતી અને અધિષ્ઠાત્રી થઈ પડી હતી. તેનો સ્વામી અજિતસેન બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો હતો.
૭૭.
એક વખત રાજાએ કોઈ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં પોતાની સાથે આવવા અજિતસેનને આજ્ઞા કરી. મંત્રીએ શિયલવતીને પૂછ્યું કે, “પ્રિયા ! મારે રાજાની સાથે જવું પડશે, પાછળ તું એકાકી ઘેર શી રીતે રહીશ ? કારણ કે સ્ત્રીઓનું શીલ તો પુરુષ સમીપે હોવાથી જ રહે છે. જે સ્ત્રી પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તેવી) હોય તે ઉન્મત્ત ગજેન્દ્રની જેમ ઘણી વાર સ્વેચ્છાથી ક્રીડા કરે છે.” પતિનાં આવાં વચન સાંભળીને નેત્રમાં અશ્રુ લાવીને શિયલવતીએ શીલની પરીક્ષા બાતવનારી એક પુષ્પની માળા સ્વહસ્ત વડે ગૂંથી પતિના કંઠમાં આરોપણ કરી અને બોલી કે, “હે સ્વામી ! જ્યાં સુધી આ માળા કરમાય નહીં ત્યાં સુધી મારું શીલ અખંડ છે એમ જાણજો." પછી મંત્રી નિશ્ચિંત થઈને રાજાને સાથે બહારગામ ગયો.
થોડા દિવસ બાદ રાજાએ રાજસભામાં મંત્રીના કંઠમાં વગર કરમાયેલી માળા જોઈ તે વિષે પાસેના માણસોને પૂછ્યું, ત્યારે તેણે તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. પછી કૌતુકવશ રાજાએ સભા વચ્ચે પરસ્પર હાસ્યવાર્તા કરનારા મંત્રીઓને કહ્યું કે, "આપણા અજિતસેન મંત્રીની સ્ત્રીનું સતીપણું ખરેખરું છે.” તે સાંભળી બીજો એક અશોક મંત્રી બોલી ઊઠ્યો "મહારાજ ! તેમને તેમની સ્ત્રીએ ભરમાવ્યા છે. સ્ત્રીઓમાં સતીપણું છે જ નહીં. કહ્યું છે કે, જ્યાં સુધી એકાંત કે વખત મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીનું સતીપણું છે. માટે જો તમારે પરીક્ષા કરવી હોય તો મને ત્યાં મોકલો.” પછી અશોક નામના તે હાસ્ય કરનારા મંત્રીને અડધો લાખ દ્રવ્ય આપીને રાજાએ શિયલવતીની પાસે મોકલ્યો.
અશોક ઉજ્વલ વેશ ધારણ કરીને નગરમાં ગયો, ત્યાં કોઈ માલીની સ્ત્રીને મળીને કહ્યું કે, 'તું શિયલવતીની પાસે જઈ કહે કે, કોઈ સૌભાગ્યવાન પુરુષ તને મળવાને ઇચ્છે છે.