________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૩
શ્રી નાગિલ
ભોજપુર નગરમાં લક્ષણ નામે એક ધાર્મિક વણિક રહેતો હતો. તેને નવ તત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. લક્ષણ પુત્રી માટે વરની શોધમાં હતો. આ માટે પિતાને એક દિ નંદાએ જણાવ્યું કે, "હે પિતાજી ! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત તેલના વ્યય વિનાનો અને ચંચળપણા રહિત દીવાને ધારણ કરે તે મારો પિત થાઓ.” પુત્રીનું આ વચન સાંભળી તેની દુષ્કર પ્રતિજ્ઞા જાણીને ચિંતાતુર થયેલા લક્ષણ શેઠે તે વાર્તાની નગરમાં ઉદ્ઘોષણા કરી. આ વાત એક નાગિલ નામના એક જુગારીએ સાંભળી એટલે કોઈ યક્ષની સહાયથી તેણે એવો દીપક કરાવ્યો, જે નજરે જોઈ લક્ષણ શ્રેષ્ઠિ હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદાને નાગિલ સાથે પરણાવી. નંદા પોતાના પતિને વ્યસન આસક્ત જાણી ઘણી કચવાવા લાગી, પણ નાગિલે કોઈ વ્યસન છોડ્યું નહીં, તેથી હંમેશાં દ્રવ્યનો વ્યય થતો ગયો. લક્ષણ શેઠ પુત્રીના સ્નેહને લીધે દ્રવ્ય આપે જતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ સ્નેહ રાખતી હતી.
૫૭.
એક વખત નાગિલને એવો વિચાર આવ્યો કે, 'અહો ! આ સ્ત્રી કેવી ગંભીર મનની છે કે હું મોટો અપરાધી છતાં મારી ઉપર રોષ કરતી નથી.' આવા વિચારથી નાગિલે એકદા કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, હે મહામુનિ ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારી ઉપર મન ધરતી નથી, તેનું શું કારણ ? મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું, “તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે, જે પુરુષના અંત:કરણમાં માયારૂપ કાજળ ન હોય, જે જેમાં નવ તત્ત્વ વિષે અશ્રદ્ધા રૂપ વાટ ન હોય, જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમક્તિના ખંડન રૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ધારણ કરતો હોય તે મારો પતિ થાઓ.' આ પ્રમાણે દીપ વિષે જે અર્થ નંદાએ ધાર્યો હતો તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂર્તપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બનાવ્યો, એટલે શ્રેષ્ઠિએ પોતાની પુત્રી તને આપી. હવે તું જ મહાવ્યસની છે. તેના ઉપર શીલાદિ ગુણે યુક્ત એવી તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિતપૂર્ણ થશે."