________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૪
જળ એ જીવમય જ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે :
કરોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મધ્યેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષ્મ ભ્રમરના પ્રમાણે કલ્પના કરી હોય તો ત્રણે જગતમાં પણ સમાઇ શકે નહીં.
ભાવસ્નાનનું સ્વરૂપ.
ધ્યાનરૂપ જળથી જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેનો આશ્રય લઇને કર્મરૂપ મેલ ધોવાય તેને ભાવસ્નાન કહે છે.
જો
જે કોઇને સ્નાન કરવાથી પણ ગુમડું, ચાઠું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યશુદ્ધિ ન થાય તે પુરુષે અંગપૂજા માટેનાં પોતાના ફૂલ-ચંદનાદિ બીજા કોઇને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પોતે દૂરથી અગ્રપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બદલે આશાતનાનો સંભવ થાય છે, માટે અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે કે :
આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કોઈપણ ભાગમાંથી પરૂ કે ૨સી વિગેરે વહેતું હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તો તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે.
અશુદ્ધિપૂર્વક પૂજા કરવાનું ફળ.
કામરૂપ નગરમાં કોઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયો, તેનો જન્મ થતાં, તેના પૂર્વભવના વૈરી વ્યંતર દેવતાએ ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણનો રાજા, વનમાં ફરવા નીકળેલો હતો. તેણે તે બાળકને વનમાં પડેલો દેખી પોતે અપુત્રીઓ હોવાથી, તેને પોતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળી પોષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડ્યો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંયમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા. ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગરલોકો તેમને વંદન કરવા આવ્યાં. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણી માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને જોયો કે, તરત જ તેણીના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને ધરતી પર પડવા લાગી આ જોઇ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે
-
હે મહારાજ ! મને દેખીને આ ચંડાળણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી ? કેવળીએ કહ્યું કે, હે રાજન ! એ તારી માતા છે, તું તો મને વનમાંથી મળ્યો હતો. રાજા પૂછવા લાગ્યો કે, સ્વામિન્ ! શા કર્મથી હું ચંડાળના કુળમાં ઉત્પન્ન થયો ?
ઉત્તર આપતાં કેવળીએ જણાવ્યું કે, પૂર્વભવમાં તું વ્યાપારી હતો. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુષ્પ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણવા છતાં પણ એમાં શું થયું ? એમ અવજ્ઞા કરીને પ્રભુને તેં ચડાવ્યું હતું તેથી તું ચંડાલ થયો છે.