________________
૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નવકારસહી પચ્ચકખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્તમાત્ર (બે ઘડી)નું છે અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જો નવકાર ગણ્યા વિના ભોજન કરે છે, તો તેના પચ્ચકખાણનો ભંગ થાય છે કેમકે “31| સૂરે નમુરિદ” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદનો ત્યાગ કરવાની ઇચ્છાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચકખાણ વિના ન જ રહેવું. નવકારશી આદિ કાળ પચ્ચકખાણ પૂરું થાય, તે વખતે જ ગ્રંથિસહિત ગંઠશી આદિ પચ્ચકખાણ કરવાં. ગ્રંથિસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાનારા તથા બાળ-ગ્લાનાદિ (માંદા વિગેરે)થી પણ સુખે થઈ શકે એવું છે. વળી નિરંતર અપ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથિસહિત પચ્ચખાણ કર્યું હતું તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેલું છે કે :
જે અપ્રમાદી પ્રાણી નિત્ય ગ્રંથિસહિત પચ્ચકખાણ પારવા માટે ગ્રંથિ બાંધે છે, તે પ્રાણીએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણી ગંઠિસહિત પચ્ચકખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠિસહિત પચ્ચકખાણને પાળતા પોતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો, તો ગ્રંથિસહિત પચ્ચકખાણ કરો, કેમ કે, જેનસિદ્ધાંતના જાણ પુરુષો ગ્રંથિસહિત પચ્ચકખાણનું પુણ્ય અણસણના જેટલું બતાવે છે.”
રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભોજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથિસહિત પચ્ચખાણ પાળવા ગ્રંથિ બાંધે છે, તેમાં દરરોજ એક વાર ભોજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બે વાર ભોજન કરનારને અઠ્યાવીસ ચૌવિહારા ઉપવાસનું ફળ મળે એવો વૃદ્ધવાદ છે.
(ભોજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર બે ઘડી જેટલી વાર લાગે છે. તેથી એક વાર ભોજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવારે ભોજન કરનારને દરરોજ ચાર ઘડી જેટલો સમય જમતાં લાગવાથી દરેક માસે અઠ્યાવીશ ઉપવાસનો લાભ થાય, એમ વૃદ્ધ પુરુષો ગણાવે છે.) જે માટે “પઉમચરિયુમાં કહેલ છે કે :
જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભોજન કરે છે તેને દર માસે અઠ્યાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણી દરરોજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોનો ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવરનો ભક્ત; પલ્યોપમ કોટી પ્રમાણ આયુરસ્થિતિને દેવલોકમાં પ્રાપ્ત કરે છે. એમ દરરોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.”
એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે એ યુક્તિપૂર્વક ગ્રંથિસહિત પચ્ચખાણનું ફળ ઉપર પ્રમાણે સમજવું.