________________
૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છે. પણ કદાપિ રોગાદિના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તો રખાય અને શીતકાળ સ્નિગ્ધ હોવાથી શિયાળામાં ચાર પ્રહર અને ચોમાસામાં તે ત્રણ પ્રહર ઉપરાંત કાળ થતાં સચિત્ત થાય છે. માટે ઉપર લખેલા કાળ ઉપરાંત કોઈને અચિત્તજળ રાખવાની ઇચ્છા હોય તો તેમાં ખારપદાર્થ નાખી રાખવું કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં.''
કોઈપણ બાહ્યશસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથી જ અચિત્તજળ છે એમ જો કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની કે શ્રુતજ્ઞાની પોતાના જ્ઞાનથી જાણતા હોય તો પણ તે અવ્યવસ્થા પ્રસંગના (મર્યાદા ટૂટવાના) ભયથી વાપરતા નથી. તેમ બીજા કોઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી.
વળી સંભળાય છે કે ભગવાન વર્ધમાનસ્વામીએ, “આ દ્રહ સ્વભાવથી અચિત્ત જળથી ભરેલ છે અને વળી સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિ ત્રસજીવથી પણ રહિત છે.' એમ કેવળજ્ઞાનથી જાણવા છતાં પણ પોતાને કેટલાક તૃષાતુર શિષ્યોનાં પ્રાણસંશયમાં હતા તો પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમ જ કોઈક વખતે શિષ્યો ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાડાં) નજીક છતાં પણ અનવસ્થાદોષરક્ષા માટે તેમજ શ્રુતજ્ઞાનનું પ્રામાણિકપણું બતાવવા માટે તે તલ વાપરવાની આજ્ઞા ન આપી.
જેમકે પૂર્વધર વિના સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્યશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શકતા નથી. એટલા જ માટે બાહ્યશસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં.
વળી કોરડુ મગ, હરડેના ઠળિયા વગેરે જો કે નિર્જીવ છે તો પણ તેની યોનિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે કે નિઃશુકતા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી ભાંગવાં નહીં. જે માટે ઓનિર્યુક્તિની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં કોઈકે પ્રશ્ન કરેલ છે કે મહારાજ ! અચિત્ત વનસ્પતિની યતના કરવાનું શા માટે કહો છો ? ત્યારે આચાર્યે ઉત્તર આપ્યો કે એ અચિત્ત વનસ્પતિ છે તો પણ કેટલીક વનસ્પતિઓની યોનિ અવિનષ્ટ હોય છે. કેમ કે ગળો, કોરડું મગ આદિને અવિનષ્ટ યોનિ કહ્યા માટે (ગળો સુકેલી હોય, તો પણ તે ઉપર પાણી સિંચીએ તો પાછી લીલી થઈ શકે છે) યોનિ રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ સફળ છે.
એમ સચિત્ત-અચિત્તનું સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કરવાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભોગવવા યોગ્ય હોય, તેનો નિશ્ચય કરીને પછી જેમ આનંદ-કામદેવાદિ શ્રાવકોએ ગ્રહણ કર્યું, તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાચ તેમ કરવાનું બની શકે નહીં તો પણ સામાન્યથી દરરોજ એક બે ચાર ચિત્ત, દશ બાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખનો નિયમ કરવો. એમ દરરોજ સચિત્તાદિનો અભિગ્રહ રાખતાં જુદાં જુદાં દિવસે દરરોજ ફે૨વવાથી સર્વ સચિત્તના ત્યાગનું પણ ફળ મળી શકે છે. એકદમ સર્વ સચિત્તનો ત્યાગ થઈ શકતો નથી, પણ થોડા થોડા અદલબદલ ત્યાગ કરવાથી યાવજ્જીવ સચિત્તના ત્યાગનું ફળ પામી શકાય છે.