________________
શ્રાદ્ધ......વિધિ...! શ્રાદ્ધ એટલે શ્રાવક...
વિધિ એટલે આચાર...
શ્રાવક શબ્દનો અર્થ
૬
પ્રસ્તુત....!! યત્કિંચિત્ (પ્રથમ આવૃત્તિમાંથી...!)
શ્રદ્ધા-વિવેક પૂર્વક ક્રિયા કરે તે શ્રાવક.
આવા શ્રાવકને ક્યારે શું કરવું ? તેનું સાંગોપાંગ શ્રેષ્ઠ માર્ગદર્શન આપતો ગ્રંથ તે જ શ્રાદ્ધવિધિ...!
જન્મ-જીવન-મરણનો ક્રમ ચાલુ છે. પશુ-પક્ષી-માનવ-નારક-દેવ બધા જન્મે છે. જીવે છે અને આયુષ્ય પૂર્ણ થતાં અન્યભવમાં ચાલ્યા જાયછે. આ ક્રમ અનાદિ કાળથી ચાલુછે. અનંતકાળ સુધી ચાલ્યા કરશે પણ... એ જન્મ-જીવન-મરણના પ્રવાહમાંથી અનેક આત્માઓ દેવ-ગુરુ અને ધર્મના શરણે રહીને આત્મસાધના કરીને પરમ પદને પામવા બડભાગી બને છે.
શ્રાવક કુળમાં મળેલ જન્મ, જયણામય જીવન જીવવા માટે સહાયક બને છે અને તેના કારણે સમાધિમય મૃત્યુ પામીને સદ્ગતિ અને પરંપરાએ પરમપદને પમાય છે.
શ્રાવકકુળમાં એવી વિશેષતા છે કે જેના દ્વારા આવી શ્રેષ્ઠ સિદ્ધિ થઈ શકે છે. કારણ કે શ્રાવકનાં જીવનનો વ્યવહાર જ સ્વ-પરોપકારમય હોય છે.
જીવન કેવી રીતે... જીવવું તે માટે અનેક મહાપુરુષો વિવિધ ગ્રંથોમાં ઉપદેશ આપી ગયા છે. તેમ આચાર્યશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં ખૂબજ કરુણાપૂર્વક બાળકને જેમ માં પા-પા પગલી મંડાવે તેમ શ્રાવકના આત્મ વિકાસની પા-પા પગલી મંડાવી છે. જે વિવેકી શ્રાવક માટે ખૂબજ ઉપકારક છે.
ઘણા ભાવિકોને શ્રાવકના આચાર અંગે જાણવાની જિજ્ઞાસા થાય. ત્યારે આ ગ્રંથ માટે સૂચન કરવાનું બને તેમાં ગુજરાતી ભાષાંતરની એક નકલ મારા લઘુ ગુરુ ભ્રાતા મુનિ હેમપ્રભવિજયજીના હાથમાં આવી. વાંચતા થયું કે આ વર્ષે વ્યાખ્યાનમાં આ શ્રાદ્ધવિધિ ગ્રંથ જ વાંચવો. જ્યારે મારો આગ્રહ હતો કે, “તો એ ગ્રંથ પૂર્ણ કરવો” જેથી શ્રાવકોને ગ્રન્થકારની ભાવના મુજબ જાણકારી મળે અને શક્યનું પાલન કરવા સદ્ભાગી બને.
તેમાં આ ગ્રંથની માંગ સાધુ-સાધ્વીજીની સાથો સાથ શ્રાવક વર્ગમાં પણ સારી થઈ રહીછે. એક નકલ ભાષાંતરની મંગાવી અને મૂળ સાથે વાંચન કરવાનું શરૂ કર્યું. યોગ્ય સુધારા-વધારા કરવાના શરૂ કર્યા. આ પ્રકરણની ઉપર ગ્રંથકારે પોતે જ શ્રાદ્ધવિધિ કૌમુદિ નામક છ હજાર સાતસો એકસઠ શ્લોક પ્રમાણ અતિ વિસ્તૃત વૃત્તિ રચી છે. જેમાં દરેક પ્રસંગો ઉપર ખૂબજ વિસ્તૃત રીતે વિવેચન કર્યું છે.