________________
પરિશિષ્ટ
૩૬૦
નમસ્કાર એ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતા છે.
આ રીતે પંચપરમેષ્ઠિનમસ્કારથી, મોહનીયકર્મના મુખ્ય ભેદરૂપ દર્શનમોહનીય કર્મ ટળે છે અને ચારિત્રમોહનીયરૂપ ક્રોધ, માન, માયા, તથા લોભાદિ દોષો પણ ટળે છે. તેથી આ ક્રિયા અચિંત્ય પ્રભાવશાળી ગણાય છે. અનુભવી પુરુષોએ આ નમસ્કારની ક્રિયાનો પ્રભાવ જાતે અનુભવ્યો છે અને કેવળ કરુણા બુદ્ધિથી જગત સમક્ષ અનેક રીતે જાહેર પણ કર્યો છે.
અદ્ભુત સામર્થ્યવાળી નમસ્કારની ક્રિયામાં મહાજ્ઞાની ગણાતા પુરુષો પણ મુગ્ધ બન્યા છે. એના ગુણગ્રામ ગાવામાં કદી પણ એમણે થાક અનુભવ્યો નથી. એટલું જ નહિ પણ જે રીતે જગતના જીવોને આ નમસ્કારની ક્રિયા પ્રત્યે રુચિ, પ્રેમ અને આદર પ્રગટે તે રીતે તેનો મહિમા દર્શાવવા અથાગ પ્રયત્ન પણ સેવ્યો છે.
શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત ‘શ્રી નમસ્કાર મહાત્મ્ય' નામના ગ્રંથરત્નમાં આ નમસ્કારની ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી માતાની ઉપમા આપી છે. માતા જેમ બાહ્યશરીરને જન્મ આપે છે તેમ નમસ્કારરૂપી માતા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. બાહ્યશરીરને જન્મ આપનાર માતા છે આ વાત જગપ્રસિદ્ધ છે. તેથી આ પ્રસિદ્ધ વાત દ્વારા જે નક્કર સત્ય હોવા છતાં જગતના જીવોના ખ્યાલ બહાર છે. તે લક્ષમાં લાવવા માટે નમસ્કારને પુણ્યરૂપ શરીર ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે. નમસ્કારની ક્રિયા વિના પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી અને પુણ્યરૂપી શરીરની પ્રાપ્તિ વિના બાહ્યશરીરની કે અન્ય કોઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી. અર્થાત્ પુણ્ય વિના બાહ્ય શરીર આદિ સાધનો લાભકારક બનતા નથી, ઊલટાં અનેક રીતે હાનિકારક બને છે.
વળી બાહ્યશરીરમાં પણ નીરોગિતા, દીર્ઘાયુષીપણું, સુંદરતા, નિર્દોષતા, આઠેયતા, શ્લાઘનીયતા, સહૃદયતા, સૌમ્યતાદિ ગુણો અંદરના પુણ્યરૂપી શરીરની હયાતી વિના પ્રગટી શકતા નથી. શરીરની નિર્દોષતા, સ્વભાવની સુંદરતા અને બાહ્ય ઐશ્વર્ય એ પુણ્યરૂપી આંતરિક શરીરનાં મૂર્ત પ્રતીકો છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એક જ સમયે જન્મેલાં બે બાળકોનાં સ્વભાવ, બળ, બુદ્ધિ, વૈભવ, આરોગ્ય અને અભિરતિ વગેરેમાં ફરક પડે છે તેનું કોઈ ચોક્કસ આંતરિક કારણ માનવું જોઈએ અને તેજ પુણ્યરૂપી શરીર છે. જેનું પુણ્યરૂપી આંતરિક શરીર પુષ્ટ હોય છે તેને ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે.
અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે તેની સાથે બે શરીરો હોય છે. એક કાર્પણ અને બીજું તેજસ. આ બે શરીરો જીવને અનાદિથી સાથે હોય છે અને સંસાર પર્યંત રહે છે. તેમાં કાર્મણ શરીર એટલે આત્માને લાગેલાં કર્મોનો સમૂહ. જીવ જેવું કાર્પણ શરીર લઈને આવ્યો હોય છે તેવા પ્રકારનું (ત્રીજું) બાહ્યશરીર અને વૈભવ આદિ સામગ્રી તેને મળે છે. કાર્મણશરીર પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ કરાવી આપે છે તેથી પ્રશસ્ય ગણાય છે.