________________
ચિત્તસ્થજાપ.
૩૫૧
‘સો પંચનમુક્કારો’ ઇત્યાદિ ચુલિકાનાં પદો બોલતાં એ પાંચ નમસ્કારથી મારાં પાપોનો નાશ થઈ રહ્યો છે અને ઉત્કૃષ્ટ મંગળની પ્રાપ્તિ થઈ રહી છે એવો ખ્યાલ મનમાં સ્પષ્ટપણે અંકિત થવો જોઈએ. આ રીતે જાપ થાય તો ચિત્તની ચંચળતા ઘટી જાય, નિર્મળતા અને પ્રસન્નતા વૃદ્ધિ પામે, એકાગ્રતાનું પ્રમાણ વધે અને તેથી આનંદની પણ વૃદ્ધિ થાય.
૪. ચિત્તસ્થજાપ
ચિત્તસ્થજાપ એટલે માનસજાપ. આ જાપમાં એકાગ્રતા ઘણી જોઈએ. જેનું મન અહીંતહીં ભમ્યા કરે છે તે આ જાપ કરી શંકતા નથી. મન મર્કટ જેવું છે અને તે ચારે બાજુ દોડ્યા કરે છે એ વાત સાચી છે, પણ અભ્યાસથી તેને ઠેકાણે લાવી શકાય છે. કહ્યું છે કે -
अभ्यासेन स्थिरं चितं, अभ्यासेनानिलाच्युतिः । अभ्यासेन परानन्दा, अभ्यासेनात्मदर्शनम् ॥१॥
અભ્યાસથી ચિત્ત સ્થિર થાય છે, અભ્યાસથી વાયુને (પ્રાણને) કાબૂમાં લાવી શકાય છે, અભ્યાસથી પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે છે અને અભ્યાસથી આત્મદર્શન થઈ શકે છે.
વચનયોગ કરતાં મનયોગની અધિકતા છે. એટલા માટે મૌનપણે થતો જાપ પ્રશસ્ય છે. વિશારદ પુરુષોએ સ્તોત્ર કરતાં જાપને કોટિગુણ અધિક લાભને આપનારો કહ્યો છે. યોગજનિત પ્રાતિભ જ્ઞાનના બળથી આ વાત તેમણે નક્કી કરી છે. જાપમાં આત્યંતર પરિણામની વૃદ્ધિ વિશેષ થાય છે. જાપને ધ્યાનની ભૂમિકા પણ માનેલી છે. ધ્યાન પર ફરી આરોહણ કરવા માટે તે ઉપયોગી નીવડે છે.
૫. ધ્યેયૈક્યજાપ
ધ્યેયૈક્યજાપ એટલે આત્મા અને પરમાત્માની એકતા આત્મા ધ્યાતા છે, પરમાત્મા કે પરમેષ્ઠી ધ્યેય છે. બન્ને વચ્ચેની આ ભેદરેખા ભૂંસાઈ જાય એટલે કે જાપ કરનાર ધ્યાતા, ધ્યેયરૂપ એવા પરમેષ્ઠીની સાથે એકમેક બની જાય ત્યારે આ જાપ સિદ્ધ થયો કહેવાય. જાપનું અંતિમ રહસ્ય આ છે, તેથી તેને જાપનું સર્વસ્વ કહેવામાં આવે છે. યથાશક્તિ વિધિપૂર્વક જાપમાં પુરુષાર્થ ચાલુ રાખવાથી એક દિવસ અવશ્ય આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
જાપમાં પ્રગતિ ઇચ્છનારે નીચેના નિયમોનું ચીવટથી પાલન કરવું જરૂરી છે.
(૧) દુર્વ્યસનોનો ત્યાગ કરવો.
(૨) અભક્ષ્ય ભક્ષણનો ત્યાગ કરવો.
(૩) શ્રી જિનપૂજન આદિ શ્રાવકાચારનું પાલન કરવું તથા યથાશક્તિ તપ, જપ, અને ધ્યાન કરવું તેમ જ આવશ્યક ક્રિયાઓ કરવી.
(૪) બાહ્ય જીવનમાં ખાસ કરીને પ્રામાણિકતા અને નીતિમત્તાનું પાલન - રક્ષણ કરવું. (૫) ત્રણ સંધ્યાએ વિશ્વકલ્યાણની શ્રેષ્ઠ ભાવનાપૂર્વક ઓછામાં ઓછા બાર બાર નવકાર મંત્રનો નિયમિત જાપ કરવો.