________________
નવકારનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે.
અજપાજાપ
માનસજાપ સારી રીતે સિદ્ધ થતાં નાભિગતા ‘પરા' વાણીથી જાપ થાય છે, તેને ‘અજપાજાપ’ હે છે. દઢતર અભ્યાસ થવાથી આ જાપમાં ચિંતન વિના પણ મનમાં નિરંતર મહામંત્રનું રટણ થયા કરે છે. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે પણ શ્વાસોશ્વાસની જેમ આ જાપ ચાલુ જ હોય છે. જેમ કોઈ માણસ ચાર વાગ્યે ઊઠવાનો દૃઢ સંકલ્પ કરીને સૂઈ જાય પછી સંકલ્પ બળથી જ તેને ચાર વાગે ઊઠવું છે એવો અજપાજાપ ચાલુ થાય છે અને બરાબર ચાર વાગે ઊઠી શકે છે. તેમ અજપાજાપ પણ દૃઢ સંકલ્પ અને દીર્ઘ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. આ સ્થિતિમાં પ્રયત્ન વિના પણ ‘અખંડજાપ’ ચાલુ રહે છે. અને તેથી શરીરમાં રોમેરોમે ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ રહે છે. આવો જાપ થતાં સાધક અનિર્વચનીય સુખનો અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. નવકારનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે.
૩૪૯
નવકારના પાંચ અથવા નવ પદોને અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણવામાં આવે છે. નવકારના એકએક પદ કે એકએક અક્ષરનો જાપ પણ ઘણા ફળને આપનારો થાય છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની વિદ્યા છે તેને બસો વાર જાપ કરવાથી ઉપવાસનું ફળ મળે છે. ‘અરિહંત સિદ્ધ આયરિય વાાય માહૂઁ' એ સોળ અક્ષર જાણવા.
તેમજ ભવ્યજીવ ત્રણસો વાર અરિહંત સિદ્ધ' એ છ અક્ષરના મંત્રને,
ચારસો વાર ‘અરિહંત' એ ચાર અક્ષરના મંત્રને અને
પાંચસો વાર નવકારના આદિ અક્ષર ‘ૐ’ વર્ણરૂપ મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે તો ઉપવાસનું ફળ પામે છે. નવકારના વર્ણોના જાપનું માત્ર આટલું જ ફળ નથી. પરમાર્થથી નવકારના જાપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. છતાં અહીં જે સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે તે જીવને નવકારના જાપમાં પ્રવૃત્તિ કરાવવા માટે બતાવવામાં આવ્યું છે.
નાભિકમલમાં સર્વતોમુખી ‘અ’કાર, શિરઃકમલમાં ‘સિ’કાર, મુખકમલમાં ‘આ’કાર, હૃદયકમલમાં ‘ઉ’કાર અને કંઠકમલમાં ‘સા’કાર રહેલો છે એમ નવકારના આદિ અક્ષરોરૂપ મંત્રથી ધ્યાન કરવું. તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારાં મંત્રબીજ ચિંતવવાં. એ રીતે ચિત્તની સ્થિરતા માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જાપ થાય છે. નવકારનો જાપ સર્વ રીતે હિતકારી છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં આ મંત્રને અનંતગમપર્યાય અને અર્થનો પ્રસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ ગણાવ્યો છે. આ મંત્રનો જાપ આત્માને સર્વ રીતે હિતદાયક છે. જાપ કરતાં થાક લાગે તો સ્તોત્ર કહેવું. શાસ્ત્રોમાં જાપ વગેરેનું ઘણું ફળ કહ્યું છે. જેમ કે ક્રોડ પૂજા સમાન એક સ્તોત્ર છે, ક્રોડ સ્તોત્ર સમાન એક જાપ છે, ક્રોડ જાપ સમાન એક ધ્યાન છે અને ક્રોડ ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા, સ્થિરતા કે સ્વરૂપમાં રમણતા જે ધ્યાનની સર્વોત્તમ ટોચ છે.