________________
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ.
૩૧૯
ઉપર કહેલી રીતે શુભભાવના કરનારો, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરામાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે,' એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ સર્વકાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારો, કોઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એવો અને અનુક્રમે, મોહને જીતવામાં નિપુણ થયેલો પુરુષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઈ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અટ્ટાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપાદાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન શેઠ આદિની માફક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે.
કહ્યું છે કે કોઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. જેમાં પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારૂં દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ કરવો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રિત રહે અને પરલોક, મોક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હે બુદ્ધિશાળી પુરુષો ! તમો તે ચારિત્ર આદરવાને માટે પ્રયત્ન કરો.
પંદરમું દ્વાર
આરંભનો ત્યાગ.
કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે તો આરંભ-વર્જનાદિ કરે. તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભનો ત્યાગ કરવો. તેમાં પુત્રાદિ કોઈપણ ઘરનો કારભાર નભાવે એવો હોય તો સર્વ આરંભ છોડવો, અને તેમ ન હોય તો સચિત્ત વસ્તુનો આહાર વગેરે કેટલોક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજવો. બની શકે તો પોતાને માટે અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે જેને માટે અન્નપાક (રસોઈ) થાય તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. સોળમું દ્વાર
બ્રહ્મચર્ય વ્રત પાલન.
શ્રાવકે યાવજ્જીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાહે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગયો. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થ દીપિકામાં કહ્યું છે.
સત્તરમું દ્વાર
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ.
શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદિ શબ્દથી સંસારતારણાદિ કઠણ તપસ્યા જાણવી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે.