________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ
૩૧૮
૪. સંસાર પોતે દુઃખરૂપ, દુઃખદાયી ફળ આપનાર પરિણામે દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં.
૫. વિષ સમાન વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે એવો હંમેશાં વિચાર કરનારો પુરુષ સંસારથી ડરનારો હોય છે.
૬. તીવ્ર આરંભ વર્ષે, નિર્વાહ ન થાય તો સર્વ જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે.
૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે.
૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકિત ધારણ કરે.
૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, ‘સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦. એક જિનાગમ મૂકીને પરલોકનું બીજું કોઈ પ્રમાણ નથી એમ જાણી જાણ પુરુષે સર્વે ક્રિયાઓ આગમને અનુસારે કરવી.
૧૧. જીવ પોતાની શક્તિ ન ગોપવતાં જેમ ઘણા સંસારનાં કૃત્યો છે તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા, પીડા ન થાય તેવી રીતે આદરે.
૧૨. ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવઘ ધર્મક્રિયા પામીને સમ્યક્ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહિ.
૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગદ્વેષ ન રાખતાં સંસારમાં રહેવું.
૧૪. પોતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાનો વિચાર રાખી રાગદ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો.
૧૫. નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગૂરતાનો વિચાર કરનારો પુરુષ ધનાદિનો ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમનો સંબંધ ન રાખે.
૧૬. સંસારથી વિરક્ત થયેલા શ્રાવકે ભોોપભોગથી જીવને તૃપ્તિ થતી નથી એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભોગ સેવવો.
૧૭. વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલભાવથી ગૃહવાસ પાળે.
આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે.