________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છટ્ટો પ્રકાશ
માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે શું કામની ? જો તારે મૂર્ખતા જોઈતી હોય તો તું ગામડામાં ત્રણ દિવસ રહે. કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય.
૨૯૬
એવી વાત સંભળાય છે કે કોઈ નગરનો રહીશ વણિક થોડા વિણકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝૂંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કોઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું, અને શેઠના પુત્રાદિને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલો છે.
રહેવાનું સ્થાનક ઉચિત હોય તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્માર્થકામની કદાચ હાનિ થાય. જ્યારે યવન લોકોએ દિલ્હી શહેર ભાંગી નાંખ્યું ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો. તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા. અને જેમણે દિલ્હી છોડ્યું નહિ તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા.
નગરક્ષય થયે સ્થાનત્યાગ ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે અહીં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો. સારા-નરસા પાડોશની લાભ હાનિ.
હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય તે ઘર ધર્મ-અર્થ-કામને સાધનારૂં હોવાથી રહેનારને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે. કારણ કે તિર્યંચ યોનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભીલ્લ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય.