________________
સંપ્રતિરાજાની રથયાત્રા.
૨૮૩ કોઈ વખતે શ્રાવસ્તીનગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો ત્યારે સર્વે માણસો દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા ત્યારે ઇન્દ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી અને જગતમાં એક સૂર્ય સમાન પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા અને તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. જે તે ભગવાનના સંભવથી (જન્મથી) થયો તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પોતાના જેવા સુખી કરેલા ત્રણસો સાઠ વાણોતર પાસે હંમેશાં બહોતેર હજાર ટંકનો વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસો સાંઈઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભુનામાં સંઘપતિએ ત્રણસો સાધર્મિક ભાઈઓને પોતાની સમાન કર્યા.
કહ્યું છે કે તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ? કારણ કે જેનો આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રનો પાઠ કરનાર લોકોને પ્રવાહવડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવવાર નવકાર બોલ્યો ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે. યાત્રાઓ.
આમ દર વર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ છે કે - ૧. અઠ્ઠાઈ, ૨. રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં એક અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવી વગેરે અઠ્ઠાઈ યાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિરાજાની રથયાત્રા.
રથયાત્રા તો શ્રી હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે. તે એ રીતે કે પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં વસતા હતા ત્યારે એક વર્ષે સંઘે ચેત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય મહારાજા પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં નાના શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામિની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે.
સુવર્ણની તથા માણિક્ય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે કરી અરિહંતનું સ્નાત્ર કર્યું. જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય ! એવા મુખે મુખકોશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું.