________________
રત્નસાર કુમારની કથા.
૨૨૯ ચંદ્રચૂડદેવે વિવાહની સામગ્રી ઉભી કરી ચક્રેશ્વરી દેવી પણ જ્ઞાનથી જાણી ત્યાં તુર્ત આવી. અને આ પછી લગ્નવિધિ આરંભાઈ લગ્ન બાદ ચક્રેશ્વરી દેવીએ ત્યાં સૌધર્માવલંસક વિમાન જેવો પ્રાસાદ દેવમાયાથી આંખના પલકારામાં ઉભો કર્યો અને આ પ્રાસાદમાં રત્નસારકુમાર બે સ્ત્રીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ ભોગવવા લાગ્યો.
આ તરફ ચંદ્રચૂડદેવ દ્વારા કનકધ્વજ રાજાને પોતાની પુત્રીઓના સમાચાર અને લગ્નોત્સવની ખબર પડી રાજા હર્ષ પૂર્ણ બની રત્નસારકુમારના આવાસમાં આવ્યો. કુમાર, પોપટ અને તેની બે પુત્રીઓએ રાજાનું અને તેના પરિવારનું અપૂર્વ સ્વાગત કર્યું. રાજાએ થોડા દિવસ બાદ પોતાને નગરે પધારી કૃતાર્થ કરવાની માગણી કરી. કુમારે રાજાની માંગણી કબુલ રાખી પ્રયાણ કર્યું અને થોડા દિવસમાં મહોત્સવપૂર્વક કનકપુર નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ કુમારને અનેક ભેટણાં અને એક સુંદર આવાસ આપ્યો કુમારે અહિં એક વર્ષ ક્ષણની જેમ પસાર કર્યું.
એક વખત કુમાર પોપટની સાથે વાતચીત કરી સુખશધ્યામાં સુતો હતો તેવામાં મધ્યરાત્રિએ કોઈ ચોર તેના શયનખંડમાં દાખલ થયો. ભાગ્યવશાત્ કુમારની આંખો ઉઘડી ગઈ. તેણે જોયું તો ઘરમાં સમગ્ર બારણાં બંધ હતાં અને કોઈક માણસ ઘરમાં ફરતો હતો. કુમાર વિચાર કરે તેટલામાં તે માણસ બોલ્યો. “કુમાર ! સંગ્રામ કરવા તૈયાર થા. વાણીયાના પુત્રને તો આવું પરાક્રમ છાજે ખરૂં' તેમ બોલતો પોપટનું પાંજરૂ ઉપાડી તે ચાલવા માંડ્યો. કુમાર પાછળ પડ્યો પણ જોતજોતામાં તે તેને દૂર સુધી લઈ ગયો અને પછી પોપટ સહિત આકાશમાં ચાલ્યો ગયો. કુમારને ખુબ ખેદ થયો, પરમમિત્ર પોપટનું નામ સંભાળી તે ખેદ કરવા લાગ્યો.
ચોર જે દિશાએ ઉડ્યો હતો તે દિશાએ કુમાર સર્વ ઠેકાણે ફર્યો પણ પોપટ કે ચોરની ભાળ ન મળી તેણે માન્યું કે જરૂર કોઈ દેવ કે વિદ્યાધર મારો વેરી જાગ્યો છે અને તે પોપટને ઉઠાવી ગયો. આમ ફરતાં ફરતાં આખો દિવસ પસાર કર્યો. રાત્રી પસાર કરી આગળ ચાલ્યો ત્યાં બીજે દિવસે તેણે એક સ્વર્ગ સમાન નગર જોયું. નગરના દરવાજે પેસતાં જ એક મેનાએ કુમારને રોક્યો અને કહ્યું કે “કુમાર ! નગરમાં પ્રવેશ કરો નહિ કારણ કે આ નગરમાં પ્રવેશ કરનારને રાક્ષસ મારી નાંખે છે. આના સંબંધી વિગત આ પ્રમાણે છે :
આ રત્નપુર નામનું નગર છે. તે નગરનો રાજા પુરંદર નામે હતો. નગરમાં કોઈક ચોર ઠેર ઠેર ચોરી કરી નગરને રંજાડતો હતો. તલારક્ષ વિગેરે ચોરને પકડી શકતા નહોતા. આથી પ્રજાએ રાજા આગળ પોકાર ઉઠાવ્યો. રાજાએ ચોરને પકડવાનું માથે લીધું. એક વખત મુદ્દામાલ સાથે ચોરી કરી નાસતા ચોરને રાજાએ દીઠો. રાજાએ તેનો પીછો પકડ્યો ચોર એક મઠમાં ભરાયો. મઠનો અધિપતિ તાપસ ઉંઘતો હતો તેનો લાભ લઈ ચોર મુદ્દામાલ તાપસ આગળ મુકી નાસી ગયો. રાજાએ તાપસને મુદ્દામાલ સાથે પકડ્યો. તાપસે ઘણી આજીજી કરી પણ રાજાએ તે ન માની અને તેને શૂળીએ ચઢાવ્યો. તાપસ મૃત્યુ પામી રાક્ષસ થયો. તેને પૂર્વર યાદ આવ્યું. તેણે તુર્ત રાજાને મારી નાંખ્યો અને લોકોને નસાડી મૂક્યા છે. નગર ધન ધાન્યથી ભરપુર છે પણ કોઈ પ્રવેશ કરતું નથી. કારણ કે જે પ્રવેશે છે તેને રાક્ષસ મારી નાંખે છે.