________________
૧૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ડાહ્યા પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસોએ પોતે ઉત્પન્ન કરેલા હોય છે. પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે.
તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પોતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરવો, તેથી પોતાના કુટુંબના માણસોનો વિયોગ થતો નથી. ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ ગુણ પોતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવો પણ પરદેશે ન જવું. પોતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ તથા વારેવારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામો વગેરે પણ જોવાય છે. કોણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાનો કલેશ માથે લે? કહ્યું છે તે અર્જુન ! દરિદ્રી, રોગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે.
હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોય તેથી પરદેશમાં વ્યાપાર કરવો પડે તો પોતે વ્યાપાર ન કરવો, તથા પુત્રાદિ પાસે પણ ન કરાવવો; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થયેલા મુનિમો પાસે વ્યાપાર ચલાવવો. જો કોઈ સમયે પોતાને પરદેશ જવું પડે તો સારું મુહૂર્ત, સારા શુકન આદિ જોઈ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું અને સાથે પોતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકો પણ લેવા તથા માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવો નહિ. પણ ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે અથવા રહેવું પડે તો પણ આ રીતે જ કરવું. કારણ કે એક ભાગ્યશાળી સાથે હોય તો સર્વ લોકોનું વિન ટળે છે. આ વિષય ઉપર દૃષ્ટાંત છે, તે આ રીતે :અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દષ્ટાંત.
એકવીસ માણસો ચોમાસામાં કોઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કોઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહીં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમો પુરુષ બહાર નીકળતો નહોતો. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે વિસ જણા ઉપર વિજળી પડી. તેઓમાં એક જ ભાગ્યશાળી હતો.
માટે ભાગ્યશાળી પુરુષોની સંગાથે જવું તથા જે કાંઈ લેણદેણ હોય અથવા નિધિ આદિ રાખ્યો હોય, તો તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તો અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તો દુર્દેવના યોગથી જો કદાચિત્ પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તો ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને દુઃખ ભોગવવું પડે.