________________
૧૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરી, છટ્ટે દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ર તથા શુકન પણ સારા થયા.
પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીરદેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરીદેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજયે ગયો ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી. તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ઋણ ભવાંતરે વાળવું પડે એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી. ઋણ આપતા ખૂબ વિવેક કરવો.
ઋણના સંબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે. તે લોકમાં પ્રસિદ્ધ છે. માટે ઋણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો. બીજાં વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછું ન આવે તો મનમાં એમ જાણવું કે તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તો તે ધર્માર્થે ગણવાનો માર્ગ રહે. તે માટે જ વિવેકી પુરુષે સાધર્મિક ભાઈઓની સાથે જ મુખ્ય માર્ગે વ્યવહાર કરવો એ યોગ્ય છે. પ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય અને તે જો પાછું ન આવે તો તે દ્રવ્ય ધર્માર્થે છે એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી. માટે તેનો કેવળ ત્યાગ કરવો અર્થાત્ તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે તો તે શ્રી સંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સોપવું. ખોવાયેલી વસ્તુનો વિવેક.
દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય અને પાછી મળવાનો સંભવ ન રહે ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જો ચોર આદિ ચોરાઈ ગયેલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે તો તે દ્વારા થતા, પાપના ભાગીદાર આપણે થતા નથી, એટલો લાભ છે. વિવેકી પુરુષે પાપનો અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો. એમ ન કરે તો અનંતા ભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં માઠાં ફળ ભોગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે એમ નથી. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શિકારીએ હરિણને માર્યો ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હરિણ હણાયો તે ધનુષ્ય બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તો, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે દઢ નિશ્ચયવાળો, કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે, તો લક્ષ્મી કેટલી દૂર જવાની ?