________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે - હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના બંધ ઉપર પામર લોકોની, ખડ્ગની ધારા ઉપર સુભટોની લક્ષ્મી, તથા શૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત્ બીજી કાંઈ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે તો વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તો મનમાં ઘણી દયા રાખવી. કેમકે જે ખેડૂત વાવવાનો વખત, ભૂમિનો ભાગ કેવો છે ? તે તથા તેમાં ક્યો પાક આવે ? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય, તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને માટે પશુરક્ષાવૃત્તિ કરતો હોય તેણે પોતાના મનની અંદર રહેલો દયાભાવ છોડવો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી વિચ્છેદ વગેરે વર્જવું.
કળા-કૌશલ્ય.
૧૫૬
શિલ્પકળા સો જાતની છે, કહ્યું છે, કે કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટાભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકને બીજાથી જુદી પાડનારી હોવાથી જુદી ગણીએ તો ઘણા જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે. ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે.
આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવેલું ખેતી વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે આચાર્યના ઉપદેશથી થયેલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. .
કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે અને ખેતી, વ્યાપાર, આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહીં પ્રત્યક્ષ કહ્યાં બાકી રહેલ કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે.
કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દૃષ્ટાંત કહે છે
બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત.
ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તેમણે બુદ્ધિ આપનારા લોકની દુકાને જઈ પાંચસો રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે “બે જણા લડતા હોય ત્યાં ઉભા રહેવું નહીં,'' ઘેર આવ્યો ત્યારે મિત્રોએ પાંચસો રૂપિયે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી તથા પિતાએ પણ ઘણો ઠપકો આપ્યો. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો ત્યારે દુકાનદારે કહ્યું કે “જ્યાં બે જણાની લડાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ