________________
૧૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
પાણી ઢોળી દેરામાં જતાં જ્વા-આવવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગથી આવી પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ ધૂળ કરે - ધૂળ ઉડાડે, ૭૫ મૈથુન સેવે, કામકેલી કરે, ૭૬ માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકડ, જૂ આદિ વીણીને નાખે અથવા વીણે, ૭૭ ભોજન કરે, ૭૮ ગુહ્યસ્થાન બરોબર ઢાંક્યા વિના જેમ તેમ બેસી લોકને (ગુહ્યસ્થાન) દેખાડે તથા દૃષ્ટિયુદ્ધ તથા બાહુયુદ્ધ કરે, ૭૯ વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઇને બતાવે) ૮૦ વેચાણ અથવા સાટું કરે, ૮૧ શય્યા કરી સૂવે, ૮૨ પાણી પીવે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીને ઝીલે, ૮૩ સ્નાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે. (રહે) .
દેરાસરમાં આવું વર્તન કરવાથી આ આશાતનાઓ થાય છે. તેથી તેનું વર્જન કરવું. બૃહદ્ભાષ્યમાં જણાવેલી પાંચ આશાતના.
૧ કોઇ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં આદર ન રાખવો, ૩ ભોગ, ૪ દુષ્ટ પ્રણિધાન કરવાં, પ અનુચિત પ્રવૃત્તિ કરવી, એમ પાંચે પ્રકારથી આશાતના થાય છે.
૧ અવજ્ઞા આશાતના તે પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું.
૨ આદર ન રાખવો (અનાદર આશાતના) તે જેવા તેવા વેશથી પૂજા કરવી, જેવે તેવે વખતે પૂજા કરવી, શૂન્યચિત્તે પૂજા કરવી.
૩ ભોગ આશાતના તે દેરાસરમાં તંબોળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબોળ ખાતાં જ્ઞાનાદિના લાભનો નાશ થાય માટે આશાતના કહેવાય છે.
૪ દુષ્ટ પ્રણિધાન તે રાગદ્વેષ-મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં કરવું. આશાતના થાય છે.
૫ અનુચિત પ્રવૃત્તિ તે કોઇના ઉપર ઘરણું નાખવું, સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવાં, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઇ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. આ બધામાંથી હરકોઇ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ તે આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે.
ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના હંમેશા અવિરતિ દેવતા પણ સર્વથા વર્જે છે. જે માટે કહેલું છે કે :
“વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈ પણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી.”
ગુરુની તેત્રીશ આશાતના.
૧. ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈ પણ કામ વિના ગુરુની આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે માટે તે યોગ્ય નથી.