________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૭ લેવાતો નથી એવા મને ધિક્કાર થાઓ.” કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલોકે ગયા.
ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલોકે મહદ્ધિક દેવતા થયો અને તે ચારે માળીની કન્યાઓ તેની (ધન્યની) મિત્રદેવતા થઇ. કૃપ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેમ સ્વર્ગમાં ઇદ્ર છે તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગન-વલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી ચ્યવીને ચિત્રગતિ વિદ્યાધરનો પુત્ર થયો તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના લોભથી પોતાના બાપને મારી નાંખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો. લોભાંધ થઈ પિતાનું અનિષ્ઠ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દેવયોગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણો ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્જવલ વૈરાગ્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે, “હાય હાય ! હવે હું શું કરું ? કોના શરણે જાઉં ? કોને શું કહું ? પૂર્વ પુણ્ય ઉપામ્યું નહીં તેથી પોતાના પુત્રથી જ મારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો તો હજી પણ હું ચેતી જાઉં.”
એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુઠિ લોચ કર્યો, દેવતાઓએ આવી સાધુનો વેષ આપ્યો, ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની તે સર્વ કહી પવનની જેમ અપ્રતિબદ્ધ વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું.
ચિત્રગતિ મુનિ રાજાને કહે છે કે તે હું, જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારો મોહ દૂર કરવા માટે અહીં આવ્યો. હવે બાકીનો સમગ્ર સંબંધ કહું છું વસુમિત્રનો જીવ દેવલોકથી ચ્યવીને તું રાજા થયો અને સુમિત્રનો જીવ ચ્યવને તારી પ્રીતિમતી નામે રાણી થઇ એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પોતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવા કોઇ કોઇ વખત સુમિત્રે કપટ કર્યું તેથી તે સ્ત્રીપણું પામ્યો. મારા કરતાં પહેલાં મારા નાના ભાઇને પુત્ર થયો.” એમ ચિંતવ્યું તેથી આ ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઇનું ખોટું ધાર્યું હોય તો પણ તે પોતાને ઘણું જ આકરૂં ફળ આપ્યા વગર રહે નહીં.
ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછ્યું કે હું અહીંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થઇશ ? ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા-પિતા ધર્મ પામ્યા ન હોય તો પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કૂવામાં જો પાણી હોય તો જ પાસેના અવાડામાં સહજથી મળી આવે.?