________________
લૂણ ઉતારવા અંગે. રાજા લે છે બાકીના સર્વ જન લે છે. બલિ મસ્તક ઉપર નાંખવાના પ્રભાવથી પણ રોગોપદ્રવની શાંતિ થાય છે એટલું જ નહિ પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતો નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સગુરુપ્રતિષ્ઠિત મોટા મહોત્સવ કરી લાવેલા રેશમી ધ્વજપતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિકપાલદિને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સહિત વાજતેગાજતે ધ્વજ ચઢાવવો. પછી યથાશક્તિ પહેરામણી કરવી. લૂણ ઉતારવા અંગે.
હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદીવો પ્રભુની સન્મુખ પ્રગટાવવો. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રી સંઘને મંગળ પમાડો.”
એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
“સર્વ પ્રકારે માંગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં ! એવું લૂણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુવો.”
ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતારવું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરવો. બે બાજુએ ઊંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં. પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતી આ પાઠ બોલવા પૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઊતારવી. આરતી અંગે.
“મરકત રત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકથી મંડિત મંગળદીવાને સ્નાત્ર કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્ય પ્રાણી-જીવોની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ).”
ત્રિષષ્ટિશલાકાપુરુષના ચરિત્રમાં પણ કહેવું છે કે :- “કરવા યોગ્ય કરણી કરીને કૃતકૃત્ય થઈને ઇન્દ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જ્યોતિવંત ઔષધીના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઇન્દ્ર પણ પોતે દીપવા લાગ્યો. શ્રદ્ધાળુ એવા જે બીજા ઇન્દ્રોએ જે વખતે છૂટાં ફૂલોનો સમુદાય વિખેર્યો છે તે વખતે સૌધર્મેન્દ્ર પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી.”
ત્યારપછી મંગળદીવો પણ આરતીની જેમ પૂજવો અને નીચે લખેલી ગાથાઓ બોલવી.