________________
સ્ત્રીના આવા વચનોથી સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. સમજાવવાના સર્વ પ્રયાસો નિષ્ફળ બન્યા. આખરે નાઈલાજ ચિતા સજાવવામાં આવી. સ્ત્રીના મનનું રહસ્ય કોઈ સમજી શક્યું નહીં અને સળગતી ચિતામાં વાનરને ખોળામાં લઈ સ્ત્રી તેમાં કૂદી પડી. બંનેના દેહ એક સાથે રાખ બની ગયા. બંને શાપમુક્ત બની પુન: અસલ સ્વરૂપને પામ્યા. પૂર્વવત શરીર પ્રાપ્ત કરી જતાં-જતાં આકાશ માર્ગેથી વિદ્યાધરીએ પૂર્વ પિતા અને પતિને શોક ન કરવા અને ઘેર જઈ સુખી થવાનો આશીવાદ આપ્યો.
આ અભૂતપૂર્વ બનાવને કારણે આ ક્ષેત્ર મર્કટતીર્થ તરીકે ઓળખાય છે. અહીંની ભૂમિ, વૃક્ષો-વનસ્પતિ અને જીવોને જલથી તૃપ્ત કરી સરસ્વતી આગે પ્રયાણ માટે અર્બુદારણ્યના માર્ગે વળી.
૧૨. અદારચા મર્કટ તીર્થથી સરસ્વતી આ વિશાળ અરણ્યમાં આવી. સરસ્વતીના જળના રસકસથી તૃપ્ત આ ધરતી પર એક વિશાળ વનસૃષ્ટિ સર્જાયેલી છે. આ વનસૃષ્ટિમાં અનેક પ્રકારના વૃક્ષોમાંથી અનેક અમૂલ્ય પદાર્થોની ભેટ મનુષ્યને મળી છે. અનેક પ્રકારની તિર્યકસ્રોતા સૃષ્ટિ (પશુ પંખી)થી આ વનની શોભા આશ્ચર્ય મુગ્ધ બનાવે તેવી છે. આ ઉપવનમાં પ્રાકૃતિક સૌન્દર્યની હેલી વરસાવી પ્રકૃતિએ પોતાની સોળેકળાઓ પ્રકટ કરેલી છે. પ્રાકૃતિક સુંદરતાના મનોહર સ્વરૂપની સાથે સરસ્વતીના નીરે પણ તેમાં પવિત્રતાનો રંગ છાંટી આ ભૂમિને રૂષિમુનિયોના વસવાટનું કેન્દ્ર બનાવ્યું છે. ઇતિહાસ પ્રસિદ્ધ વસિષ્ઠ મુનિની આ તપોભૂમિ છે.
જ્યાં રૂષિમુનિઓ વસતા હોય તે તપોભૂમિ તીર્થભૂમિ એટલા માટે બને છે કે ત્યાં વિદ્યા-પ્રસારણનાં કેન્દ્રો બને છે. વિદ્વદ પુરુષોના આવાગમન થયા કરે છે. જ્ઞાનની ચર્ચાઓના સંમેલનો ભરાય છે. સમાજોપયોગી ઉત્કર્ષના નિર્ણયો લેવાય છે. વિદ્યા-જ્ઞાનનું આદાન-પ્રદાન યોજાય છે. માટે આવાં તીર્થો પણ સામાન્ય જનસમૂહ માટે આકર્ષક કેન્દ્ર બને છે. મહાપુરુષોના દર્શન-સત્સંગનો લાભ મેળવાય છે. રાજા-મહારાજા, મુનિ તપસ્વી, વિદ્વાન અને શ્રેષ્ઠી (વેપારી) લોકોના આવાગમનથી આ તીર્થો સંસ્કૃતિના પ્રચારના માધ્યમ બને છે.
અર્બુદારણ્ય નિકટ વડગામ નામે એક નગરનો ઇતિહાસ પુરાણોમાં પ્રસિદ્ધ છે. સરસ્વતીના કારણે આ નગરના નરનારિ ઉત્તમ આચરણ માટે પ્રશસ્ય છે. અહીંથી સરસ્વતી ઉદુમ્બર વન ભણી પ્રયાણ કરે છે.
૧૩. કોટિતીર્થ આ ક્ષેત્રને આરાસન ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભૂમિ પર તંડિ મુનિ નામે સુવિખ્યાત એક રૂષિનો આશ્રમ હતો. એક દિવસ પ્રાત:કાળનો સમય