________________
રાક્ષસ દેવનું રૂપ લઈને આ યજ્ઞકાર્યમાં સામેલ થઈ ગયો હતો. બ્રહ્માજીએ તેને ઓળખી કાઢ્યો અને યજ્ઞમાં બલિ ચઢાવી દીધો. તેને કારણે આ ક્ષેત્રને પ્રાચીન સમયમાં અજગંધા નામથી પણ ઓળખાવેલ છે. સંભવ છે કે પ્રાકૃત પ્રચલિત શબ્દોમાં અજના આ દષ્ટાંતને લઈ અજમેર શબ્દ બનેલો હોય. અહીં અજગંધા ભગવાનના દર્શનનો બહુ જ મહિમા છે.
પુષ્કરમાં સરસ્વતી ભૂગર્ભ સ્રોતોથી ત્રણ સરોવરોમાં સમ્મિલિત છે. આ ત્રણમાં એક વિશાળ, એક મધ્યમ અને એક સામાન્ય છે. આ ત્રણે સરોવરના સ્નાન માટે અલગ અલગ ફળનું માહાભ્ય છે. અહીં પિતામહ બ્રહ્માનો વાસ હોઈ આ તીર્થમાં પિતૃતર્પણ કરવા દેશભરના યાત્રિકો આવે છે. એક એવી લોકશ્રદ્ધા છે કે સર્વપ્રથમ આ પિતામહ તીર્થમાં શ્રાદ્ધ તર્પણ કરી ત્યારબાદ પિતૃતર્પણ કરવાથી પિતૃઓને અક્ષય આનંદ મળે છે.
વિવિધ પ્રસંગોમાં સરસ્વતી સ્નાનનું જે મહત્ત્વ દર્શાવેલું છે; તેમાં કારતક માસમાં પુષ્કર અને શ્રીસ્થલ વૈશાખમાં પ્રભાસ તેમજ સૂર્યગ્રહણ યોગમાં કુરૂક્ષેત્રનું નામ છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી ખજુરી વનક્ષેત્રમાં પ્રવેશી.
૧૦. (નંદા-સરસ્વતી) આ ક્ષેત્ર સિદ્ધ અને તપસ્વી રૂષિમુનિઓનું કેન્દ્ર છે. અહીં પ્રકટ સરસ્વતી નન્દા સરસ્વતી નામે પ્રસિદ્ધ છે. પૂર્વ કાળની એક ઘટના અનુસાર પ્રભંજન નામે એક પ્રસિદ્ધ રાજા હતો. તે મૃગયા રમવાનો ખૂબ શોખિન હતો. એક દિવસ મૃગયા રમવા નીકળેલા રાજાએ ઘોર વનમાં એક ગીચ ઝાડીમાં એક સુંદર મૃગલીને જોઈ. રાજાએ નિશાન તાકી તીર છોડી મૃગલીને ઘાયલ કરી દીધી.
આ સમયે મૃગલી પોતાના શિશુને સ્તનપાન કરાવતી હતી. શાસ્ત્રોનું વચન છે કે સ્તનપાન કરાવતા પશુનો શિકાર અઘમ અપરાધ છે. ઘાયલ મૃગલીએ પ્રાણ છોડતાં છોડતાં શાપ આપ્યો કે જે કોઈ મનુષ્ય આ અધમ કૃત્ય આચરેલું છે તે એક હિંસક વાઘનું સ્વરૂપે પ્રાપ્ત કરે. શાપના પ્રભાવથી પ્રભંજન તત્કાળ એક હિંસક વાઘ બની ગયો. વાઘ બનતા પહેલાં ભયગ્રસ્ત રાજાએ મૃગલી પાસે જઈ શાપમુક્ત બનવાની પ્રાર્થના કરી. પ્રાણ છોડતી મૃગલીએ પ્રભંજનને જણાવ્યું કે નંદા સાથેના તારા સંયોગ સમયે તું શાપમુક્ત થઈશ.
શાપને કારણે હિંસ્ત્ર પશુ બનેલ પ્રભંજન ઉદરનિર્વાહ માટે દરરોજ ઘણા પશુઓની હત્યા કરતો જંગલમાં ભટકતો ફરતો હતો. એક દિવસે આ વાઘની ઝપટમાં એક ગોવંદ આવી ગયું. ભયથી નાસવા માંડેલી ગાયોમાંથી એક ગાય વાઘના પંજામાં ફસાઈ પડી. ગાયે સર્વ હિંમત એકઠી કરી વાઘને પ્રાર્થના કરી. ગાયે કહ્યું કે ઘેર એક નાના શિશુને છોડી હું તારો ભક્ષ બની છું. હું મારા બાળકને સ્તનપાન કરાવી પાછી ફરું. ત્યાં સુધી તું રોકાવ. સ્તનપાન કરાવી હું તૂર્તજ તારો ભક્ષ બનવા અહીં આવીશ.