________________
તે મનમાં વિચારવા લાગી કે શંકર જો ખરેખર આવો જ દેવ હતો તો મને આ મૂર્ખ પિતાએ તેના હાથમાં અર્પણ કેમ કરી ? ક્રોધના આવેશમાં આવી સતિએ આ અવિવેક અને અવહેલનાના પાયા પર મંડાયેલા યજ્ઞમાં ઉત્પાતના મંડાણનો શાપ આપી દીધો.
સતિના માનસિક આઘાત અને દુ:ખને નિવારવા તેમજ પિતાને ક્ષમાદાન દેવા શંકરે સતિને ખૂબ સમજાવી. પણ સતિના મનનો રોષ શમ્યો નહીં. પતિની સલાહને પણ અવગણી તે પિતાના ઘેર પહોંચી. ઉદંડ પિતાની સાન ઠેકાણે લાવવા ચાલી નીકળેલી સતિનું. ઘેર માતાએ તો તેનું વહાલભર્યું સ્વાગત કર્યું, પરંતુ પિતાના દુર્વ્યવહારે સતિના મનને હચમચાવી દીધું. પિતાના દુર્લક્ષ્ય ભર્યા વર્તને સતિને યજ્ઞકુંડની જ્વાલાઓમાં આહુતિરૂપે કૂદી પડવા વિવશ કરી. * ઉત્સવનો આનંદ વિષાદમાં પલટાઈ ગયો. સતિના આ પગલાએ ચોતરફ ક્રોધની અગ્નિ જ્વાળાઓ પ્રકટાવી. શંકરના રૂદ્રગણોએ યજ્ઞસ્થાનામાં યજ્ઞ વિધ્વંશ માટે ભયાનક ઉત્પાત મચાવ્યો. ઉપસ્થિત દેવસમુદાયે યજ્ઞની નિર્વિધ સમાપ્તિ માટે સમાધાન કરવા દક્ષને ખૂબ સમજાવ્યો. યજ્ઞમાં શિવનું સ્થાન અને ભાગ સુનિશ્ચિત રાખી શંકરની પ્રેરણાથી યજ્ઞ પૂરો કરાયો.
રૂદ્રગણોની કોટિ આ સ્થાનમાં વસી તેથી આ સ્થાનને રૂદ્રકોટિ નામે ઓળખવામાં આવે છે. અહીં સરસ્વતીમાં સ્નાન અને રૂદ્રનું પૂજન યથેષ્ટ ફળદાયી મનાયું છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી કુરુક્ષેત્રમાં પ્રકટ થઈ.
૬. કુરુક્ષેત્ર સરસ્વતીના સ્નાન માટે કુરૂક્ષેત્ર એ સુપ્રસિદ્ધ તીર્થ છે. દેશના પાંચ પ્રમુખ તીર્થો જ્યાં પ્રાચી સરસ્વતી છે તેમાં કુરૂક્ષેત્રની ગણના કરાય છે. અહીં સરસ્વતી એક વિશાળ સરોવર રૂપે પ્રસ્તુરિત છે. સૂર્ય ગ્રહણના અવસરે આ સરસ્વતીમાં સ્નાન માટે દેશભરના યાત્રાળુઓ આવે છે. વિષ્ણુના સાનિધ્યમાં કુરૂ નામના એક બ્રાહ્મણે મોક્ષત્વ પ્રાપ્ત કર્યું હતું. તેથી આ સ્થાનનું નામ કુરૂક્ષેત્ર ગણાય છે.
એક પ્રાચીન ઇતિહાસ મુજબ અહીં કુરુ નામે એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. પ્રતિદિન સંધ્યાવંદન, સ્વાધ્યાય અને ઈશ્વરપરાયણ કાર્યોમાં જીવન વ્યતીત કરતો હતો. એક સમયે તેણે યજ્ઞ આયોજનનો સંકલ્પ કર્યો. યજ્ઞ કરવા માટે ભૂમિને સમતલ બનાવવા તે સખ્ત પરિશ્રમમાં લાગી ગયો.
એક દિવસે તે ભૂમિને સમતલ બનાવવાના કાર્યમાં પરોવાયેલો હતો તે સમયે સ્વયં વિષ્ણુ એક ચોરના વેશમાં ત્યાં આવ્યા. ખેતર ખેડી તૈયાર કરવાની તેની પેરવી જોઈ આ ચોર વેષધારી વિષ્ણુએ તેને પુછ્યું કે આ ખેતરમાં શું વાવવાનું છે? બ્રાહ્મણે