________________
પ્રતીક્ષામાં બેઠા હતા. વિષ્ણુએ વડવાનલ સંકટ નિવારણ અંગેની સર્વ યોજના સંભળાવી. બધા જ પ્રસન્ન થયા. પણ આ કામ કરે કોણ ? વિષ્ણુએ બ્રહ્માજીને સમજાવ્યું કે આ કાર્યનું સામર્થ્ય કેવળ તમારી બેટી સરસ્વતીમાં જ છે. જો તે આ કાર્ય પૂર્ણ કરે તો જ આ આપત્તિ ટળે.
બ્રહ્માજીએ આ યોજનાને ધ્યાનથી સાંભળી વધાવી લઈ પોતાની વહાલસોઈ બેટીને બોલાવી. સરસ્વતી સમક્ષ તેમણે દેવોની આ આપત્તિ નિવારવા માટેનું વિષ્ણુનું સુચન રજુ કર્યું.
સરસ્વતીએ કહ્યું કે જ્યાં સુધી બેટી કુમારિકા છે ત્યાં સુધી તે પિતાને અધીન છે. પરણ્યા બાદ તે પતિને અધીન બને છે. હું એક કુમારિકા છું. તેથી પિતાનો જે નિર્ણય એ જ મારો.
સરસ્વતીના આવા બોધભર્યા વચનને જાણી સૌ પ્રસન્ન બન્યા. સરસ્વતીએ પરોપકારાયમિદં શરિર ના શાસ્ત્ર વચન મુજબ સહર્ષ સહમતી દર્શાવી. યોજના તૈયાર થઈ. આ યોજના મુજબ વડવાનલ જ્યાં ઉપસ્થિત છે તે ઉર્વગ આશ્રમમાં પિંપળાના વૃક્ષ ઉપર સરસ્વતી જળસ્વરૂપે ત્રાટકી મેઘના પ્રચંડ ગડગડાટ સાથે સરસ્વતી એક વિશાળ નદીના રૂપમાં પલટાઈ ગઈ. વિષ્ણુએ વડવાનલને એક શાન્તકુંભમાં સ્થાપી સરસ્વતીની ગોદમાં અર્પણ કર્યો.
ઉપસ્થિત દેવસમૂહે આનંદોલ્લાસથી દુંદુભિયોના નાદ વડે આકાશ ગજાવી દીધું. વિદાય સમયે વિષ્ણુએ વડવાનલના દાહથી તેને અધવચ્ચે છોડી ન દેવા સરસ્વતીને શિખામણ આપી કહ્યું કે જો દાહ સહેવાતો ન હોય તો ભૂગર્ભમાં અંતર્ધાન થઈ વહન કરવું. ગમે તેમ થાય પણ ઘડી ઉપર અને ઘડી ભૂતલ એ રીતે વહન કરતાં કરતાં તેને પશ્ચિમ સાગરમાં પહોંચાડવો.
પ્રયાણ સમયે ઉપસ્થિત સખિઓએ સરસ્વતીને પ્રાચીના જળમાં મળવાનું વચન આપ્યું. સર્વ દેવોના આર્શીવાદ લઈ સરસ્વતી વડવાનલને ગોદમાં રાખી પશ્ચિમ સાગર ભણી ચાલી નીકળી.
વિષ્ણુની સલાહ અનુસાર પ્રકટ અને અંતર્ધાન વહેતી સરસ્વતી પશ્ચિમ સાગરને કિનારે પ્રભાસ પાસે જઈ પહોંચી.
પોતાના તગડા ભક્ષને નિહાળતાં જ વડવાનલ ઉન્મત્ત બની ગયો. સરસ્વતીના કાર્યથી ખુશખુશાલ બનેલા વડવાનલે સરસ્વતીને વરદાન માંગવા કહ્યું. ઉપસ્થિત વિષ્ણુની સલાહ અનુસાર સરસ્વતીએ સોયના નાકા જેવા છિદ્રવાળા મુખથી જળદેવને ભક્ષણ કરવાનું વરદાન મેળવી લીધું.
વડવાનલને જોઈ સાગર અને સાગરના જળચર જીવો ગભરાઈ ગયાં. આર્તનાદ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સાગર પણ સર્વનાશની ચિંતાથી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.
વિષ્ણુએ સૌને વડવાનલથી નિર્ભય બનવાનું આશ્વાસન આપી શાંત કર્યા. વડવાનલના ભક્ષથી સર્વનાશ ઉત્પન્ન ન થાય તે રીતે સાગરને અક્ષય બનાવવાનો કોલ આપ્યો. વિષ્ણુના અભયવચનથી સૌ ભયમુક્ત બન્યા.