________________
નરહરિ શાસ્ત્રી કાવ્ય-પુરાણ વેદ મીમાંસાતીર્થ તરીકે સમસ્ત ગુજરાતના વિદ્વાનોમાં વિખ્યાત હતા. જ્ઞાનની ક્ષિતીજે તેમની વિદ્યોપાસનાના ફલસ્વરૂપે તેઓશ્રી ‘‘રાષ્ટ્ર સમ્માનિત પંડિત’' પદવીઘર બન્યા હતા.
કાવ્ય સાહિત્યના ક્ષેત્રે અપૂર્વ કિર્તી મેળવનાર મનુભાઈ હ. દવેનું નામ મહેસાણા જિલ્લામાં સર્વપ્રથમ કવિરત્ન તરીકે પ્રસિદ્ધ થયેલું છે. ઈ. સ. 1935માં ફક્ત વીસ વર્ષના આ નવલોહિયા યુવાને રાગ-તાલ અને છંદબદ્ધ લગભગ એક હજાર જેટલાં વિવિધ વિષયોને સ્પર્શતાં કાવ્યો પ્રકટ કરી ગુજરાતની સાહિત્યિક અસ્મિતાને આંજી દીધી હતી.
ગ્રામ્યજીવન, પુષ્પહાર, કાવ્યકલગી, રાસકાવ્ય જેવા શાસ્ત્રીય કાવ્ય રચનાના સમૂહ પ્રકટ કરી ગુજરાતના તે સમયના સુપ્રસિદ્ધ કવિયોની તેમણે પ્રશંસા મેળવેલી છે. આ યુવાન કવિએ કવિતાના પ્રત્યેક ક્ષેત્રે હાથ અજમાવી સાહિત્ય રસિકોમાં અદભૂત આકર્ષણ જમાવેલું છે. એટલું જ નહીં પણ રાગ અને છન્દના તાલબદ્ધ સંયોગથી ગાઈ બતાવી શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કરેલા છે.
રાગ અને છંદબદ્ધ ગવાતા રાસ કાવ્યો સમૂહ નાદ બ્રહ્મની શક્તિ ઉત્પન્ન કરે છે એવું માનનાર આ કવિ સ્વયં પણ દાંડિયા સાથે સમૂહ રાસ ગવરાવી નાદ બ્રહ્મનું વાતાવરણ સર્જવામાં પાવરધા સાબિત થયેલા છે. જે સમયે આ ક્ષેત્રે મહેસાણા જિલ્લો પછાત ગણાતો તે સમયે સિદ્ધપુર અને જિલ્લાને બહુમાન અપાવનાર આ કવિને જૂના વડોદરા રાજ્યે સન્માનેલા છે. વ્યવસાયે તેઓ પ્રાથમિક શિક્ષક હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા અને કોઠાસુઝથી કાવ્યતીર્થ બનેલા છે.
તેમના કાળથી અદ્યપિ પર્યંત અનેક અન્ય નવલોહિયા સાહિત્ય સર્જકો એ સાહિત્ય રચનાના ક્ષેત્રે એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા છે. સિદ્ધપુરના વતની શ્રી જતીનભાઈ આચાર્ય તેમાં મોખરે છે.
સ્વાતંત્ર્ય લડતમાં પણ ભેખ ધરનાર અનેક મહાનુભાવો પૈકી શ્રી છોટુભાઈ પંડિત સર્વોદય પ્રવૃત્તિના રાજ્યવ્યાપી ક્ષેત્રે સુવિખ્યાત છે. દત્ત સંકીર્તન પરિવારની પ્રવૃત્તિનો પાયો જમાવનાર સ્વ. શ્રી કેશવલાલ વૈદ્યને શહેર ભૂલે તેમ નથી. કુટિરવાસી રંગ અવધૂત માટે ગંગાવાડીમાં ઘાસની કુટીર બનાવી આ સંતના સત્સંગનો લ્હાવો અપાવનાર આ કુશળ કિર્તનકારને ભૂલ્યા ભૂલાય તેમ નથી.
શ્રીપાદ પૂ. વલ્લભાચાર્ય પણ આ તીર્થભૂમિને વંદન કરી વૈષ્ણવ ભક્તિનો રંગ લગાવી ગયેલા છે. કદંબવાડી તરીકે પ્રસિદ્ધ નિમ્બાર્ક સમ્પ્રદાયના સ્થાનમાં તેઓએ સર્વ પ્રથમ મુકામ કરેલો છે. હાલ તેની નજીકમાં દેશની વૈષ્ણવ પીઠો પૈકીની એક પીઠ પ્રસ્થાપિત છે.
કદંબવાડીના સ્થાનમાં પંદરમી સદીમાં નેપાળથી હાથી ઉપર પંદર મણ વજનનો એક ઘંટ આવેલો છે. જે ગુજરાતભરમાં મશહૂર છે. આ સ્થાનના છેલ્લા ગાદીપતિ પૂ. શ્રી ભીમાચાર્યજી મહારાજે શહેરમાં અપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે.