________________
૦૩. સ્વાતંત્ર્યવતી પ્રતાપ જેમ રાજસ્થાનની ધરતી પર રાજસુખો માણનારા રાણાઓના શૂરાતનનો ઇતિહાસ છે; તેમ સ્વતંત્રતાના ભોગે સુખ નહીં પણ દુઃખના ડુંગરાઓ ખુંદતા દેશભક્તોની શૂરવીરતા પણ ઇતિહાસને પાને ઝળકે છે. સિસોદીયા વંશના રાણા પ્રતાપને રાજસ્થાનમાં રાણા નહીં પણ મહારાણાનો ઇલ્કાબ મળેલો છે.
કારણ, આ મહારાણાનો ઇતિહાસ કેવળ રાજકીય લાભો ખાટી વૈયક્તિક સુખ સહુલિયત માટે ઝઝુમવાનો નથી, પણ દુઃખો વેઠીને પણ દેશભક્તિની જ્યોતને પ્રજ્વલિત રાખવાના પુરુષાર્થનો છે.
અત્યંત ભીષણ પરિસ્થિતિમાં પણ આ પુરુષ સુખ ભોગવવા લલચાયો નથી, કે નિરાશ-હતાશ બની જીવનની બાજી હારી ગયેલ નથી. તે સમયની વિદેશી તાકાતોથી ભારતમાતાના લૂંટાતા સૌભાગ્ય ચિન્હોની રક્ષા માટે આ નરવીર મરણાન્ત ઝઝૂમતો રહ્યો છે.
જે પરિસ્થિતિ આ પ્રતાપે જોયેલી છે, તેમાં જો કેવળ વૈયક્તિક સુખ-સહુલિયત સ્વીકારવાનો અભિગમ તેમણે અપનાવ્યો હોત; તો તેઓ રાજસ્થાનના તત્કાલિન તમામ રાણાઓ કરતાં એક ડગલું આગળ હોત. પરંતુ ઇતિહાસમાં તેઓ મહારાણા તો ન જ કહેવાયા હોત.
મહારાણા તરીકેનું તેમનું ગૌરવ વૈભવના કારણે નહીં, પણ ભારત માતાના વૈભવને પુન: પ્રસ્થાપિત કરવામાં તેમનું જે સામર્થ્ય રેડાયું છે તેના કારણે છે.
વીરતા અને બલ પરાક્રમમાં માનસિંહ પ્રતાપથી ઉતરતી કક્ષાનો નહોતો પરંતુ વિદેશી તાકાતો સામે અણનમ ઝઝુમવાનો ઇતિહાસ તે સર્જી શક્યો નથી માટે તેને કેવળ રાણા માનસિંહ કહે છે. કેવળ પરાક્રમ અને શૌર્ય એ માણસને મહાન બનાવી શકતા નથી પણ મહાનતાનો આધાર તે સાથે સંબંધિત ઇતિહાસથી સંકલિત હોય છે.
માતૃભૂમિને વિદેશી પંજા તળેથી મુક્ત કરવાની મહારાણા પ્રતાપની સાધના અને બલિદાન ઇતિહાસમાં તેમનું સર્વોત્તમ પાસું પ્રકટ કરે છે. આ સાધનાએ દુ:ખ આપ્યાં તો દુઃખ ઝીલ્યાં. ડુંગરે-ડુંગરે રખડાવ્યા તો ડુંગરે રખડ્યા. સૂકા રોટલા ખવરાવ્યા તો તે પણ ખાધા. ભૂમિ પર સુવાડ્યા તો પણ આનંદથી સૂતા. મહેલોના બદલે ઝૂંપડીઓ બતાવી તો ઝૂંપડીઓ અપનાવી. બાગ-બગીચાને બદલે કાંટાળા થોરમાં રખડાવ્યા તો કાંટાઓ સહીને પણ થોર નીચે વિશ્રામ કર્યા. કીમતી વસ્ત્રોને બદલે ફાટેલાં અને મેલાં વસ્ત્રો મળ્યાં તો તે પણ સંકોચ વિના સ્વીકાર્યા, પાણી માટે તલસાયા તો તરસે મર્યા.
ટાઢ, તડકો, વરસાદ ને ભુખ તરસ જેવા તરહ તરહના દુ:ખોની રામકહાની આ મહારાણાના જીવન સાથે જડાઈ ગયેલી છે.