________________
લેખકના બે બોલ
આ પુસ્તકના લેખક લેખકશ્રેણીના કોઈ લેખક નથી. લેખક બનવાના કોડ સાથે આ પુસ્તક લખાયું પણ નથી. પરંતુ સરસ્વતી નદી પ્રત્યે પ્રત્યેક હિન્દુ માનસમાં શ્રદ્ધા-ભાવનું જે અખંડ ઝરણું વહે છે તે નદી સંબંધે સંસ્કૃત વાઙમય સિવાય તેના માહાત્મ્યને ઉજાગર કરે એવું લોકભોગ્ય ભાષાનું સાહિત્ય ખાસ ઉપલબ્ધ નથી. લેખકે આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આ ઉત્કૃષ્ટ અભિલાષાને પૂર્ણ કરવા આ પુસ્તક લખ્યું છે.
આ દૃષ્ટિકોણની આદ્ય પ્રેરણા તો અહીંના મૂર્ધન્ય કોટિના બ્રહ્મવિદ પૂ. દેવશંકરના સત્સંગથી ઉદભવેલી. પરંતુ લેખકની અકર્મણ્યતા ગણો કે પ્રારબ્ધનું વિધાન પણ આ પુસ્તકની રચના તેમના દેહાવસાન બાદ જ પૂર્ણ થઈ શકી. તેઓ ભલે બ્રહ્મલીન થયા હોય પણ તેમનું બ્રહ્મ ચૈતન્ય તો સર્વત્ર પ્રકાશમાન હોઈ આ બ્રહ્મ ચૈતન્યને આ પુસ્તક અર્પણ કરાયું છે.
સ્વર્ગ શ્રીબાબાસાહેબ આપ્ટેની પુણ્યસ્મૃતિમાં વૈદિક સરસ્વતી નદી શોધ અભિયાન માટેની એક સંશોધન ટુકડી સિદ્ધપુર આવેલી ત્યારે આ નદી સંબંધે પુરાણોકત માહિતી એકત્ર કરી રજુઆત કરવાની એક જવાબદારી આ લેખકે નિભાવેલ. લેખકે આ નદી સંબંધેના પૌરાણિક દૃષ્ટિકોણનો અભ્યાસ કરી અધ્યયનના નિષ્કર્ષરૂપે હિન્દી ભાષામાં એક શોધપત્ર તૈયાર કર્યું હતું.
આ શોધપત્ર ઉપર ‘મંગલં’ દિસતુ ન: સરસ્વતી સંમતિપત્રમ એ શીર્ષક સાથે તેની પ્રસ્તાવના અહીંના જ એક કાવ્ય-પુરાણ-વેદ મીમાંસા તીર્થ વેદાચાર્ય તેમજ રાષ્ટ્ર સમ્માનિત પંડિત પદવીઘર પૂ. શ્રી નરહરિપ્રસાદ શાસ્ત્રીએ લખી હતી. આ હિન્દી પ્રસ્તાવનાનો ગુજરાતી અનુવાદ આ ગ્રંથમાં પ્રસિદ્ધ છે.
સાથે સાથે અહીંના જ બે ગણમાન્ય વિદ્વાન ચિન્તનકારોને આ હસ્તપ્રત પુસ્તક વાંચન માટે આપવામાં આવ્યું હતું. તેના અધ્યયન ઉપરથી આ બંનેએ પોતાના લેખિત મંતવ્ય લેખકને આપ્યાં હતાં. તે બંને મંતવ્યો પણ આ પુસ્તકમાં પ્રકાશિત છે. આ બે વિદ્વાન પૈકી એક અહીંની સુવિખ્યાત એમ.પી. માધ્યમિક ઉચ્ચતર શાળાના નિવૃત્ત પ્રિન્સીપાલ શ્રીરામચન્દ્રભારતી એમ.એ.બી.એડ. છે. સાહિત્યના ઉંડા અભ્યાસી છે. શિવ મહાપુરાણના વિશ્વ વિખ્યાત કથાકાર શ્રીદયાગિરિજીની કેસેટો ઉ૫૨થી તેમણે શ્રીદયાગિરી કથિત શિવ મહાપુરાણ જેવા ઉત્તમ ગ્રંથનું સંપાદન કાર્ય કરેલું છે.
અન્ય અહીંના જ પણ જી. એલ. પટેલ હાઈસ્કુલ ઊંઝાના સહાયક પ્રિન્સીપાલ શ્રીકનુભાઈ વી. ઠાકર છે. તેઓ એમ. એ. બી. એ. એલ. એલ. બી. છે. સ્થાનિક સાહિત્ય વર્તુલના અધ્યક્ષ પણ છે. એક નવોદિત ચિન્તનકાર તેમજ કાવ્ય-લેખનના નવલોહિયા સાહિત્યકાર છે.