________________
વચનો કાઢે નહીં, પાપને શૃંગારે નહીં, દ્વેષને ઉગારે નહીં, પૌરુષને હણે નહીં અને મુગ્ધજનોને છેતરે નહીં.
હંસગામિની શારદા વિવેકની પ્રતિષ્ઠા સૂચવે છે. નીરક્ષીર વિવેક કરે તે હંસ, સંસાર અને પરમાર્થનો વિવેક કરે તે પરમહંસ. ધર્મ માત્ર વિવેકાધિષ્ઠિત છે. સાચા સારસ્વતને ધર્મઘેલછામાં નહીં પણ ધર્મભાવનામાં રસ છે; તે ધર્મનિષ્ઠાને ઝંખે છે, ધર્મઝનૂનને નહીં.
કોરા બુદ્ધિવાદીઓ મા શારદાને બજારુ સ્ત્રીની કક્ષાએ મૂકી દે છે, માત્ર બુદ્ધિજીવીઓ એને દાસીની જેમ વાપરે છે. જ્યારે સાચા બુદ્ધિનિષ્ઠો જ મા શારદાને માતૃવત્ ગણી તેની પૂજા કરે છે. સરસ્વતી એ વેચવાની વસ્તુ નથી પણ વહેંચવાનો પ્રસાદ છે. કુમારી સરસ્વતીની અવદશા પામી જઈને મહાકવિ હર્ષે એને વિધાતાની પત્ની તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. સરસ્વતીનું માતૃસ્વરૂપ સૌથી શ્રેષ્ઠ છે. મા પાસેથી પ્રસાદ એટલે પ્રસન્નતા પ્રાપ્ત થાય અને એ મળેલા પ્રસાદ (જ્ઞાન)ને “ગમતાંનો કરીએ ગુલાલ'ની જેમ સર્વત્ર વહેંચવાનો હોય.
સરસ્વતીની પ્રતીકોપાસના, તેના વિશેના વિવિધ મંત્રો તેમજ સ્તોત્રોનાં રહસ્યો જૂના વાડ્મયમાંથી તારવીને એક સમયાવચ્છેદે પ્રગટ કરવા એ બહુ મોટી તપશ્ચર્યા માગી લે તેવી બાબત છે. ભાઈશ્રી ગુણવંત બરવાળિયા આ પ્રયાસમાં મહદંશે સફળ રહ્યા છે. એમને તેમજ એમના સહયોગીઓને હાર્દિક અભિનંદન ! - ભગવતી શારદા એમને આવો જ પ્રસાદ આપતી રહે અને તેઓ જનસમાજને સદા એનાથી લાભાન્વિત કરતા રહે એ જ અંતઃકરણપૂર્વકની પ્રાર્થના ! શનિવાર, તા. ૩૦/૯/૨૦૦૦
– હરિભાઈ કોઠારી આસો સુદ ૩, સં. ૨૦પ૬
વાલજી લધા ક્રોસ રોડ, ૧૦, કૃષ્ણા નિવાસ, બીજે માળે, મુલુંડ (વે), મુંબઈ-૮૦
ફોન : પ૬૪ ૭૭૭૦