________________
દેજે દેજે અબુધ શિશુને તુ જ સદ્ગુદ્ધિ દેજે, રહેજે રહેજે મુજ પર સદા, તું પ્રસન્ના જ રહેજે.
હૃદયભાવ
પ્રાથમિક શિક્ષણ અમારા નાના ગામ ખાંભામાં પૂર્ણ કર્યા પછી પિતાજીએ મને આગળ ભણવા અમરેલીની ખેતાણી જૈન બોર્ડિંગમાં મોકલ્યો, બોર્ડિંગ (છાત્રાલય)ના ગૃહપતિ અમરેલીના વિદ્યાગુરુ પૂજ્ય નવલભાઈ જોષીના સાન્નિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.
છાત્રાલયમાં દરરોજ વહેલી સવારે અને રાત્રે પ્રાર્થના થતી. પ્રાર્થનામાં પ્રથમ સ્તુતિ દ્વારા સરસવતી વંદના થતી પછી જિનસ્તવન ગવાતું. પ્રાર્થના આછા બ્લુ લેમ્પના અજવાળા નીચે મા સરસ્વતીની છબી સામે અમે ગાતા.
પે'લા મોરલાની પાસ, બેઠા શારદા જોને... અમને ભણતા આનંદ થાય, માતા શારદા જોને.
વર્ષો પછી આજે પણ આ સ્મરણો અકબંધ જળવાઈ રહ્યાં છે. સ્મૃતિની પેટી ખુલે ત્યારે મન પુલકિત થઈ જાય છે.
થોડાં વર્ષો પહેલાં સ્નેહી શ્રી જિતેન્દ્ર કામદારનો ફોન આવ્યો, નવરાત્રિમાં સરસ્વતીમંત્ર સાધના શિબિરમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. પહેલેથી જ મા સરસ્વતી પ્રત્યે અહોભાવ અને સરસ્વતી મંત્રો વિશે જાણવાનો જિજ્ઞાસા હોવાથી આ તક ઝડપી લઈ શિબિરમાં જોડાયો.
તીથલના સમુદ્ર કિનારે શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં સરસ્વતી મંત્ર સાધના શિબિર પૂજ્ય બંધુ ત્રિપુટીની શુભ નિશ્રામાં યોજાઈ. પૂજ્ય કીર્તિચંદ્રવિજયજી તથા પૂજ્ય જિનચંદ્રવિજયજીના યોગસાધના, સરસ્વતી