________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૪પ
દાદાશ્રી : હસબન્ડ-વાઈફ શાના ? આ તો બધા આ કપડાં પહેરે છે તેનું, આ મન-વચન-કાયાના કપડાંને લીધે હસબન્ડ-વાઈફ. આ રિલેટિવને લીધે એ રિલેટિવ છે, રિલેટિવ જ ના રહ્યું ને રિયલ રહ્યું. રિયલમાં કશું હોય નહીં.
ત્યાં પાછા હસબન્ડને ક્યાં બોલાવવા? અહીં આગળ માથું ફોડને, બળ્યું ! અહીં ઓછા છે તો વળી... અહીં આગળ બહુ તને શું ચઢ્યું કે ત્યાં પાછું બોલાવે છે ! એ ત્યાં હોય નહીં. એ નિર્લેપ, એને અડે નહીં. આ અમને મહીંથી, દેહથી છૂટા પડી ગયા એ અમને અડે નહીં. આ સંસારમાં કોઈ વસ્તુ અમને અડે નહીં. અમને સ્ત્રી-પુરુષનો ભેદય માલુમ ના પડે. વિચાર જ ના આવને ! તો ત્યાં તો વળી ભગવાનને શું વાંધો હોય ? એ તો છેલ્લી દશા !
પ્રશ્નકર્તા : આપણા બધા સગાંસંબંધીઓ જોડેનો જે સંબંધ છે તે આ પુદ્ગલ, એનું પુગલ અને આપણા શુદ્ધાત્મા એની સાથે કયા પ્રકારનો સંબંધ છે ?
દાદાશ્રી : બીજા કોઈ પ્રકારનો સંબંધ નથી. માણસમાં સંબંધ બાંધવાની એક જ ચીજ છે. બીજું કોઈ સંબંધ બાંધવાનું સાધન પોતાની પાસે નથી. સંબંધ બાંધનારી જે ચીજ છે, એનાથી આ સંસારનો સંબંધ બંધાય છે અને જેને સંબંધ બાંધવાની ચીજ ના હોય, તે ત્યાં સિદ્ધગતિમાં જતા રહે છે. અહીં સંબંધ બાંધવાની ચીજ એની પાસે ખલાસ થઈ ગઈ હોય, તો એ સિદ્ધગતિમાં જતા રહે. હવે સંબંધ બાંધવાની એવી કઈ ચીજ છે કે જેનાથી સંબંધ બંધાય છે આ લોકોનો ? અનેક પ્રકારના સંબંધો. ત્યારે કહે, રાગ-દ્વેષ. અને સંબંધ બાંધવાની ચીજ ના હોય, રાગ-દ્વેષ બને ના હોય તો ત્યાં સિદ્ધગતિમાં જ હોય. રાગ-દ્વેષનો જ સંબંધ છે આ. બીજો ખરેખર કોઈ સંબંધ જ નથી.
ત્યાં આગળ પરસ્પર સંબંધ નથી. આ તો અહીં બધા પરસ્પર સંબંધ છે, એ ‘રિલેટિવ' છે અને ત્યાં પેલું ‘રિયલ' છે, “એબ્સોલ્યુટ' છે. તેમાં કોઈ પરસ્પર છે જ નહીં. ત્યાં તો પોતાના અસ્તિત્વનું ભાન રહે, વસ્તુત્વનું ભાન રહે ને પૂર્ણત્વનું ભાન રહે.