________________
૩૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દસ લાખ માણસ હોય તો આપણે અહીં બેઠા બેઠા જોયા કરીએ, તે કેટલું બધું વહ્યા કરે ? એવી રીતે આ વહેતું છે જગત.
પ્રશ્નકર્તા: વહેતું જગત છે તો જીવો મોક્ષમાં જઈને પછી અટકી જાય છે ? પછી પ્રવાહ નથી ?
દાદાશ્રી : મોક્ષમાં ગયો એટલે થઈ રહ્યું, બધું ખલાસ થઈ ગયું. ત્યાં સ્થિરતા આવી ગઈ.
આ આખી જે સૃષ્ટિ છે, તે પ્રવાહ રૂપે છે. એટલે દરિયાનો જ્યાં જોઈન્ટ છે ને ત્યાં એટલા પાણીને મુક્તિ, બીજું બધું આવશે તેમ તેમ મુક્તિ થતી જશે. પ્રવાહરૂપે છે એટલે બધાને ના થાય એકદમ. જેટલા મોક્ષે જાય એટલા આવે અવ્યવહારમાંથી વ્યવહારમાં પ્રશ્નકર્તા: અહીંના બધા આત્મા મોક્ષે જાય તો નવા ઉત્પન્ન થાય?
દાદાશ્રી: નવા ઉત્પન્ન થાય નહીં. ઉત્પન્ન થાય એ નાશ થઈ જાય. જે કાયમના છે એટલા ને એટલા આત્મા. જેટલા છે એના એ જ આત્મા, એમાં વધે નહીં ને ઘટે નહીં. જેટલા મોક્ષે જાય એટલા બીજા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે અને વ્યવહારમાંથી જેટલા મોક્ષે ગયા એટલા ત્યાંથી ઉપર આવે પણ વ્યવહાર એટલો ને એટલો રહે. વ્યવહારમાં જેના નામ પડ્યા છે એ બધા જીવોને વ્યવહાર કહેવાય. જેના નામ નથી પડ્યા એ વ્યવહારની બહાર કહેવાય.
પ્રશ્નકર્તા: ત્યાં એમના કંઈ કર્મો બંધાતા હોય, અવ્યવહારમાં ? કયા કર્મના ઉદયથી કર્મભૂમિમાં આવ્યા ?
દાદાશ્રી : કર્મના ક્ષયોપશમથી. જેમ જેમ કાળ જાયને, એટલે કર્મ નિર્જરા થયા જ કરે. કારણ કે કર્તા નથી એ લોકો. નવું બંધાતું નથી.
જીવો અનંત, માટે આવો જ પ્રવાહ ચાલ્યા કરવાનો
પ્રશ્નકર્તા: બધા શુદ્ધાત્મા મોક્ષે જાય, પછી કોઈ બાકી ના રહે એવું બને ખરું ?