________________
[૮.]. સર્વવ્યાપક-સર્વવ્યાપી નિર્વાણ પામતારો જ થાય સર્વવ્યાપક પ્રશ્નકર્તા : દરેક જીવ એ પરમાત્મા છે અને પરમાત્મા સર્વવ્યાપક છે, આત્મા સર્વવ્યાપક છે, અખંડ છે એમ જે કહેવામાં આવે છે, એમાં શું ભેદ છે ?
દાદાશ્રી : સર્વવ્યાપક પરમાત્મા માટે આવું જે માનવામાં આવે છે ને, એ બધું કઈ દૃષ્ટિએ સર્વવ્યાપક ? લૌકિક દૃષ્ટિએ સર્વવ્યાપક, અલૌકિક દૃષ્ટિએ એવું નથી. અલૌકિક દૃષ્ટિએ શું છે ? જે પૂર્ણસ્વરૂપ થયેલા હોય એવા ભગવાન જ્યારે નિર્વાણ થાય, એ દેહ છૂટે, કે આત્માનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય. એટલે એ અપેક્ષાએ સર્વવ્યાપક છે અને બીજી અપેક્ષાએ એ આત્મામાં છે.
પણ એ તો કો'ક અવતારે નિર્વાણ પામનારો કોઈ જીવ હોય તેના પૂરતું જ અજવાળું બહાર સર્વવ્યાપી થાય. અને આ બીજા બધા જીવો તેમનું અજવાળું બહાર પડે જ નહીંને ! બીજા બધા મરે છે ને, ત્યારે એવું કશું વ્યાપ્ત કરતો નથી.
આત્મા પોતે સર્વવ્યાપી નથી, એનો સ્વભાવ સર્વવ્યાપી છે. પોતાની પ્રકાશ કરવાની સત્તા સર્વવ્યાપી છે. એ પોતાના પ્રકાશના આધારે સર્વવ્યાપી છે, ક્ષેત્રના આધારે સર્વવ્યાપી નથી. પોતાના સ્વભાવમાં જઈ પ્રકાશના આધારે આખા બ્રહ્માંડમાં પ્રકાશક છે.